data protection issues

ભારતમાં ટેક્નોલોજી વધવાની સાથે ડેટા ચોરી સહિત સાઈબર અપરાધોનું પ્રમાણ વધ્યું છે ત્યારે હવે સરકારે ડેટા ચોરો સામે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકાર ડેટા પ્રોટેક્શન માટે એક બિલ લાવી રહી છે, જેમાં સરકારે ડેટા ચોરી કરનારી કંપનીઓ પર રૂ. ૫૦૦ કરોડ સુધીના દંડની જોગવાઈ કરી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ સંદર્ભમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ૨૦૨૨નો મુસદ્દો જાહેર કર્યો છે, જેમાં સૂચિત જોગવાઈઓના ભંગ બદલ દંડની રકમ વધારીને રૂ. ૫૦૦ કરોડ કરાઈ છે, જે અગાઉ રૂ. ૧૫ કરોડ હતી.

આ બિલના મુસદ્દામાં ભારતીય ડેટા પ્રોટેક્શન બોર્ડ સ્થાપિત કરવાની જોગવાઈ છે, જે બીલની જોગવાઈઓ મુજબ કામ કરશે. મુસદ્દા મુજબ બોર્ડ તપાસ પછી એવું ઠરાવે કે કોઈ વ્યક્તિ દ્વારા જોગવાઈઓનું પાલન નહીં થવું મહત્વનું હોય તો તે વ્યક્તિને સુનાવણીની યોગ્ય તક આપ્યા પછી અનુસૂચી ૧માં નિર્દિષ્ટ નાણાકીય દંડ થઈ શકે છે, જે પ્રત્યેક મામલામાં રૂ. ૫૦૦ કરોડથી વધુ નહીં હોય.

મુસદ્દામાં ડેટા ફિડુશીયરી માટે એક ગ્રેડેડ પેનલ્ટી સિસ્ટમની જોગવાઈ કરાઈ છે, જે માત્ર કાયદાની જોગવાઈઓ મુજબ ડેટા માલિકોના વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરશે. ડેટા પ્રોસેસર પર પણ આ જ પ્રકારના દંડની જોગવાઈ કરાઈ છે, -જે એક એવું એકમ હશે, જે ડેટા ફિડુશીયરી તરફથી ડેટા પ્રોસેસ કરશે. મુસદ્દામાં ડેટા ફિડુશીયરી અથવા ડેટા પ્રોસેસર પોતાની પાસે રહેલા અથવા તેના નિયંત્રણમાં રહેલા વ્યક્તિગત ડેટાની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહે તો રૂ. ૨૫૦ કરોડ સુધીના દંડની જોગવાઈ છે. આ મુસદ્દો ૧૭ ડિસેમ્બર સુધી જાહેર ટીપ્પણી માટે ખુલ્લો છે.

કેન્દ્ર સરકારે ૨૦૧૯માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલનો મુસદ્દો રજૂ કર્યો હતો, જેમાં ડેટા ચોરી બદલ રૂ. ૧૫ કરોડ અથવા કંપનીના વૈશ્વિક ટર્ન ઓવરના ૪ ટકા જેટલો દંડ કરવાની દરખાસ્ત હતી. આ બિલ સરકારે ઑગસ્ટમાં પાછુ ખેંચી લીધું હતું. સરકારે શુક્રવારે જાહેર કરેલા મુસદ્દાનો આશય ડિજિટલ વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે એવી રીત પૂરી પાડવાનો છે જે વ્યક્તિઓના તેમના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકારને, કાયદેસરના હેતુઓ માટે અને અન્ય આનુષંગિક હેતુઓ માટે વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરવાની જરૂરિયાતને પણ માન્યતા આપે.

LEAVE A REPLY

three × four =