નવી દિલ્હીમાં પહેલી મે 2021ના રોજ ગાંઝિપુર સ્મશાનમાં કોરોના મૃતકોના સામુહિક અંતિમસંસ્કાર . (PTI Photo)

ભારતમાં સાત દિવસમાં કોરોના 26 લાખથી વધુ નવા કેસ અને આશરે 23,800ના મોત સાથે 2મેના રોજ પૂરું થયેલું સપ્તાહ અત્યાર સુધીનું સૌથી ચેપી અને સૌથી વધુ જીવલેણ સપ્તાહ પુરવાર થયું હતું. કોરોનાના નવા કેસો અને મોતમાં અસાધારણ ઉછાળાને પગલે દેશના ઘણા રાજ્યોમાં હોસ્પિટલો ઊભરાઈ ગઈ હતી તથા મેડિકલ ઓક્સિજન અને દવાઓની અભૂતપૂર્વ અછત ઊભી થઈ હતી. હાલ કોરોનાના કેસોનો આંક પણ બે કરોડને પાર થઇ ચૂક્યો છે.

આ બિહામણી સ્થિતિ વચ્ચે મંગળવારે, 4 મેએ સતત 13મા દિવસે કોરોનાના 3 લાખ કરતાં વધુ કેસ સાથે કુલ કેસનો આંકડો 20 મિલિયનને વટાવી ગયો હતો વિજ્ઞાનીઓ માને છે કે આગામી થોડા દિવસોમાં કોરોનાની પીક આવી જવાની ધારણા છે. દેશમાં પહેલી મેએ 4,01,993 નવા કેસની ટોચ બની હતી. 2મેના રોજ આશરે 3.92 લાખ કેસ નોંધાયા હતા. દેશના વિવિધ ભાગોમાં આંશિક કે પૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યા છે જેમાં બિહારનો પણ ઉમેરો થયો છે.

નિષ્ણાતો કોરોનાને કાબૂમાં લેવા માટે ગયા વર્ષ જેવું જ કડક દેશવ્યાપી લોકડાઉન લાદવાની ભલામણ કરી રહ્યા છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલય મંગળવારે સવારે આઠ વાગ્યે જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં આશરે 3,57,229 નવા કેસ નોંધાય હતા અને તેનાથી કુલ કેસનો આંકડો 2.02 કરોડને પાર થયો હતો, જે અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ છે. એક દિવસમાં નવા 3,449 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 2,22,408.થયો હતો. દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 71 ટકા કેસ દસ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં 48,621 અને કર્ણાટકમાં 29,052 કેસ નોંધાયા હતા. મંગળવારે દૈનિક પોઝિટિવિટી રેટ 21.47 ટકા રહ્યો હતો.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 34,47,133 થઈ હતી, જે કુલ કેસના 17 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ ઘટીને 81.77 ટકા થયો હતો. કોરોનાનો મૃત્યુદર કથળીને 1.10 ટકા થયો હતો. મેડિકલ નિષ્ણાતો જણાવે છે કે 1.35 બિલિયનની વસતીના આ દેશમાં કોરોનાના વાસ્તવિક આંકડો સત્તાવાર આંકડા કરતાં 10 ગણો મોટો હોઇ શકે છે. આ દરમિયાનમાં ભારતમાં કોરોનાનો એક નવો એપી સ્ટ્રેન જોવા મળ્યો છે. નિષ્ણાતોના મત મુજબ આ સ્ટ્રેન બહુ ઝડપથી ફેલાય છે.

સરકારને સલાહ આપતી વિજ્ઞાનીઓની ટીમના મેથેમેટિકલ મોડલ મુજબ ભારતમાં કોરોનાના કેસો 3-5મેએ ટોચ પર આવી જવાની શક્યતા હતી.
ઓછામાં ઓછા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંબંધિત કોઇને કોઇ નિયંત્રણો લાદવામાં આવેલા છે. જોકે વડાપ્રધાન મોદીની સરકાર નેશનલ લોકડાઉન લાદવામાં ખચકાટ અનુભવે છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના ચીફ મેડિકલ એડવાઇઝર એન્થની ફૌસી સહિતના ઘણા નિષ્ણાતો ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની તરફેણ કરી રહ્યાં છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના એપિડેમિયોલોજિસ્ટ બી મુખરજીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે મારા માનવા મુજબ ઘરમાં જ રહેવાનો રાષ્ટ્રીય આદેશ અને મેડિકલ ઇમર્જન્સીની જાહેરાતથી જ હેલ્થકેર જરૂરિયાતની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ મળશે.

ભારતમાં કોરોનાના કેસમાં ઉછાળો 2014માં મોદીએ સત્તા સંભાળ્યા પછીની સૌથી મોટી રાષ્ટ્રીય કટોકટી બની છે. પાંચ રાજ્યોમાં માર્ચ અને એપ્રિલ દરમિયાન ચૂંટણીસભામાં જંગી મેદની, ધાર્મિક કાર્યક્રમો, કુંભમેળાનું આયોજન વગેરે માટે મોદીની ટીકા થઈ રહી છે. સરકારે રચેલા વૈજ્ઞાનિક સલાહકારોના એક ફોરમે માર્ચના પ્રારંભમાં નવા અને વધુ ચેપી વેરિયન્ટ અંગે સરકારને ચેતવણી હતી. આ ટીમના ચાર વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે આ વોર્નિંગ આપવામાં આવી હોવા છતાં મોદી સરકારે રાષ્ટ્રીય નિયંત્રણો લાદ્યા ન હતા.

રવિવારે 13 વિરોધપક્ષોના નેતાઓએ મોદીને એક પત્ર લખીને ફ્રી નેશનલ વેક્સીનેશન તાકીદે ચાલુ કરવાની તથા હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર્સમાં ઓક્સિજન સપ્લાયને પ્રાધાન્ય આપવાની રજૂઆત કરી હતી. પહેલી મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોના રસીકરણનો પ્રારંભ કરવાની મોદી સરકારે જાહેરાત કરી છે, પરંતુ વેક્સીનના અભાવે કેટલાંક રાજયો તેમના રસીકરણ અભિયાનને વિસ્તૃત બનાવી શક્યા નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાા અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યો પાસે 10 મિલિયન વેક્સીન ડોઝ છે અને આગામી થોડા દિવસમાં બીજા બે મિલિયનનો સપ્લાય મળશે.

વિશ્વમાં સૌથી મોટો વેક્સીન ઉત્પાદક દેશ હોવા છતાં ભારત પાસે પોતાના નાગરિકોના રસીકરણ માટે પૂરતો સપ્લાય નથી. 1.4 બિલિયનની વસતિમાંથી માત્ર નવ ટકા લોકોને હજુ એક ડોઝ મળ્યો છે. ભારતને કોરોના કટોકટીમાં મદદ કરવા માટે વિદેશી સહાય આવી રહી છે. બ્રિટનને રવિવારે ભારતને વધુ 1,000 વેન્ટિલેટર્સ મોકલ્યા હતા.