India became the most populous country in the world
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચીનને પછાડીને ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ છે, જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે અને તે બીજા ક્રમ આવી ગયું છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં આગામી ત્રણ દાયકા સુધી વસ્તીવધારો ચાલુ રહેશે અને તે પછી તેમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ શકે છે. જોકે દેશ માટે હકારાત્મક પાસું એ છે કે 50 ટકા વસ્તી 25 વર્ષથી ઓછી ઉંમરની છે.

ભારતે વસ્તીમાં નંબર વન બન્યા પછી પોતાની પ્રતિક્રિયામાં ચીને જણાવ્યું હતું કે તેની પાસે હજુ પણ આશરે 90 કરોડ લોકોનું ક્વોલિટી માનવબળ છે, જે વિકાસને મજબૂત વેગ આપી શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “હું તમને કહેવા માંગુ છું કે વસ્તીના લાભો તેની સંખ્યાને આધારે નહીં, પરંતુ ક્વોલિટીને આધારે મળે છે. વસ્તી મહત્ત્વની છે, પરંતુ તેના કરતા ટેલેન્ટ વધુ મહત્ત્વનું છે. વૃદ્ધોની વધતી જતી વસ્તીનો સામનો કરવા માટે સજ્જ સક્રિય પગલાં લઈ રહ્યું છે. અમારા વસ્તીવિષયક લાભો દૂર થયા નથી અને અમારી ટેલેન્ડના લાભમાં ઉછાળો આવ્યો છે.

યુનાઇટેડ નેશન્લ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2022 મુજબ 1950માં ભારતની વસ્તી 86.1 કરોડ હતી, જ્યારે ચીનની વસ્તી 114.4 કરોડ હતી. આમ આ સમયગાળામાં ભારતમાં વસ્તી વિસ્ફોટ થયો છે.
1950એએ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)એ વસ્તીના ડેટા એકત્ર કરવાનું ચાલુ કર્યું તે પછીથી ભારત પ્રથમ વખત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના સ્ટેટ ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન રીપોર્ટ (SWOP) 2023માં જણાવ્યા મુજબ ભારતની આશરે 25 ટકા વસ્તી 0-14 વર્ષની વય જૂથમાં છે, 18 ટકા વસ્તી 10 થી 19ના વય જૂથ, 26 ટકા વસ્તી 10 થી 24 વર્ષની વય જૂથમાં, 68 ટકા વસ્તી 15 થી 64 વર્ષની વય જૂથમાં અને સાત ટકા વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતની વસ્તીવિષયક વિવિધતા દરેક રાજ્યમાં અલગ-અલગ છે. કેરળ અને પંજાબમાં વૃદ્ધોની વસ્તી છે, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં યુવા વસ્તી છે રીપોર્ટમાં જણાવાયું છે કે 2050 સુધીમાં ભારતની વસ્તી વધીને 166.8 કરોડ થવાની ધારણા છે, જ્યારે ચીનની વસ્તી ઘટીને 131.7 કરોડ થઈ જશે. વૈશ્વિક વસ્તીમાં 1950 પછીથી સૌથી ધીમા દરે વધારો થઈ રહ્યો છે. વસ્તી વૃદ્ધિદર 2020માં એક ટકાથી નીચો રહ્યો હતો.

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ-2022 મુજબ, ગયા વર્ષે ભારતની વસ્તી 141.2 કરોડ હતી. જ્યારે ચીનની વસ્તી 142.6 કરોડ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 15 નવેમ્બરે વૈશ્વિક વસ્તી આઠ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.

UNFPA જણાવ્યા અનુસાર ભારતમાં પુરુષ માટે જન્મ સમયે સરેરાશ આયુષ્ય સરેરાશ 71 વર્ષ છે, જ્યારે સ્ત્રીઓ માટે તે 74 વર્ષ છે. 2023 સુધીમાં 15-49 વર્ષની વયની સ્ત્રીઓમાં કોઇપણ માધ્યમ મારફત ગર્ભનિરોધક સાધનોના ઉપયોગનો દર 51 ટકા છે.

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) ઇન્ડિયના પ્રતિનિધિ એન્ડ્રીયા વોજનારે જણાવ્યું હતું કે “ભારતના 1.4 અબજ લોકોને 1.4 અબજ તકો તરીકે જોવી જોઈએ. ભારતમાં યુવાવર્ગની સૌથી વધુ વસ્તી છે. 25.5 કરોડની વસ્તી 15થી 24 વર્ષની વયજૂથના યુવાનોની છે. આ યુવા વસ્તી ઇનોવેશન, નવી વિચારસરણી અને કાયમી ઉકેલોનો સ્ત્રોત બની શકે છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓને સમાન શિક્ષણ અને કુશળતા ઘડતરની તકો મળે, તેમને ટેકનોલોજી અને ડિજિટલ ઇનોવેશન્સની સુવિધાઓ મળે અને સૌથી વધુ મહત્ત્વનું તેમને પોતાના પ્રજનન અધિકારો અને પસંદગી મળે તો ભારતને મોટો લાભ થઈ શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતે પ્રજનનક્ષમતાનું રિપ્લેસમેન્ટ લેવલ હાંસલ કર્યું છે, પરંતુ મોમેન્ટમને પરિબળને કારણે વસ્તીમાં વધારો ચાલુ રહેશે. ભારતમાં 2030 સુધીમાં વૃદ્ધોની સંખ્યા 19.2 કરોડ થઈ છે. 2050 સુધીમાં દરેક પાંચમો ભારતીય વૃદ્ધ વ્યક્તિ હશે. તેથી આ વયજૂથના લોકો માટે પ્લાનિંગ પણ મહત્ત્વનું છે. વૃદ્ધોના આરોગ્ય અને આર્થિક સુરક્ષા પર પ્રાથમિકતા આપવી પડશે.

 

LEAVE A REPLY

2 + 20 =