(PTI Photo/R Senthil Kumar)

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં સોમવારે (5 ફેબ્રુઆરી) ભારતે બે સેશન કરતાં ઓછા સમયમાં ઈંગ્લેન્ડની નવ વિકેટ ખેરવી પ્રવાસીઓને 106 રન હરાવ્યા હતા. આમ બે ટેસ્ટની આ સીરીઝમાં હવે બન્ને ટીમ 1-1ની બરાબરીમાં આવી ગઈ છે. પ્લેયર ઓફ ધી મેચ જસપ્રીત બુમરાહે પહેલી ઈનિંગમાં 6 અને બીજી ઈનિંગમાં 3, એમ કુલ 9 વિકેટ લઈ ઈંગ્લેન્ડના પરાજયમાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું, તો બેટિંગમાં ભારતના યશસ્વી જયસ્વાલે પહેલી ઈનિંગમાં ડબલ સેન્ચુરી તથા શુભમન ગિલે બીજી ઈનિંગમાં સેન્ચુરી કરી ભારતના જંગી સ્કોરમાં મુખ્ય ફાળો આપ્યો હતો.

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો અને મુખ્યત્ત્વ યશસ્વી જયસ્વાલ તથા શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર અને અક્ષર પટેલ સાથેની તેની ભાગીદારીઓના પગલે ટીમ પહેલી ઈનિંગમાં 112 ઓવરમાં 396 રન કરી શકી હતી. જો કે, જયસ્વાલ સિવાય કોઈ બેટર 40 સુધી પહોંચી શક્યો નહોતો. જવાબમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 253 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓપનર ઝેક ક્રોલીએ 76 અને સુકાની બેન સ્ટોક્સે 47નો મુખ્ય ફાળો આપ્યો હતો. તે સિવાય કોઈ બેટર 30 સુધી પહોંચી શક્યો નહોતો. જસપ્રીત બુમરાહે 15.5 ઓવરમાં 45 રન આપી છ વિકેટ ખેરવી હતી. આ રીતે ભારતને પહેલી ઈનિંગમાં 143 રનની લીડ મળી હતી.

ભારતનો બીજી ઈનિંગનો દેખાવ પહેલા કરતાં નબળો રહ્યો હતો. 78.3 ઓવરમાં ટીમ ફક્ત 255 રન સુધી જ પહોંચી શકી હતી. શુભમન ગિલના 147 બોલમાં 104 રન અને અક્ષર પટેલના 45 સિવાય બાકીનાનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ 4, રેહાન એહમદે 3, જેમ્સ એન્ડરસને 2 તથા શોએબ બસીરે એક વિકેટ લીધી હતી.

આ રીતે, ઈંગ્લેન્ડને છેલ્લી ઈનિંગમાં 399 રનનો ટાર્ગેટ આવ્યો હતો, પણ ટીમ 69.2 ઓવરમાં 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ઝેક ક્રોલીના 73 રન તથા વિકેટકીપર બેન ફોક્સ અને સ્પિનર ટોમ હાર્ટલીના 36-26 મુખ્ય હતા, તો ભારત તરફથી બુમરાહ અને અશ્વિને 3-3 તથા મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.

હવે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

LEAVE A REPLY