(ANI Photo)

હિમાચલ પ્રદેશના ધરમસાલામાં રવિવારે ભારતે વર્લ્ડ કપની ત્યાર સુધીની બીજી અજેય ટીમ, ન્યૂઝીલેન્ડને હરાવી યજમાન તરીકે સતત પાંચ મુકાબલામાં અજેય રહ્યાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, તો ગયા સપ્તાહમાં તે અગાઉ બાંગલાદેશને પણ પ્રભાવશાળી રીતે હરાવ્યું હતું. 

રવિવારે ભારતે ટોસ જીતી ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. એક તબક્કે તો એવું લાગતું હતું કે રોહિત શર્માને તથા ભારતને કદાચ આ નિર્ણય ભારે પડશે, પણ ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં 45મી ઓવરમાં ભારતે પાંચમી વિકેટ ખેરવી ત્યારે ન્યૂઝીલેન્ડે 243 રન કર્યા હતા અને 5.4 ઓવર બાકી હતી, જેથી તે 290થી 300 રન સુધી પહોંચી શકે તેવું લાગતું હતું પણ એ પછી ભારતીય બોલર્સે બાજી સંભાળી લીધી હતી અને ન્યૂઝીલેન્ડ છેલ્લા બોલે 274 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 

તેના જવાબમાં ભારતે છ વિકેટે 274 રન 48મી ઓવરના અંતે કર્યા હતા અને એ રીતે બે ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે વિજય હાંસલ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે ધમાકેદાર 130 રન કર્યા હતા અને કુલદીપ યાદવ સામે શરૂઆતથી જ આક્રમક બેટિંગ દાખવી તેની લાઈન અને લેન્થ અસ્તવ્યસ્ત કરી નાખી હતી. મિચેલ અને રચિન રવિન્દ્રે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 25.2 ઓવર્સમાં 159 રન ખડકી દીધા હતા. મિચેલે 127 બોલમાં 130 અને રચિને 87 બોલમાં 75 રન કર્યા હતા. એ સિવાય ગ્લેન ફિલિપ્સના 23 રન મુખ્ય હતા. જો કે, રચિનને એક અને મિચેલને બે જીવતદાન મળ્યા હતા. ભારત તરફથી આ વર્લ્ડ કપની પહેલી મેચ રમતા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 54 રનમાં પાંચ વિકેટ લીધી હતી, તો કુલદીપ યાદવને 73 રનમાં બે વિકેટ મળી હતી. બુમરાહ અને સિરાજને એક-એક વિકેટ મળી હતી. 

જવાબમાં ભારત તરફથી રોહિત અને શુભમને પ્રમાણમાં સારી શરૂઆત કરી હતી, પણ લોકી ફર્ગ્યુસને બન્નેને ખાસ જમાવટ કરે તે પહેલા વિદાય કરી દીધા હતા. ત્રીજા ક્રમે આવેલા કોહલીએ જો કે, ધીરજ અને ગણતરીપૂર્વક રમી ટીમને વિજયની સ્થિતિમાં લાવી દીધી હતી. કોહલી જો કે, કમનસીબે માત્ર પાંચ રન માટે સદી ચૂકી ગયો હતો. 

આઈસીસીની ટુર્નામેન્ટ્સમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે 2003 પછી આ પહેલો વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડે 2007 અને 2016ની ટી-20 વર્લ્ડ કપમાં, 2019ના વન-ડે વર્લ્ડ કપ અને 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હરાવ્યું હતું. એકંદરે બન્ને ટીમ વચ્ચે 116 વન-ડે રમાઈ છે, જેમાં ભારતનો 58માં વિજય અને 50માં પરાજય થયો છે. વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં બન્ને વચ્ચે 9 મુકાબલા થયા છે, જેમાં ન્યૂઝીલેન્ડનો પાંચમાં વિજય, ત્રણમાં પરાજય થયો છે, એક મેચ અનિર્ણિત રહી છે. 

LEAVE A REPLY

twenty − fifteen =