ટી-20 વર્લ્ડ કપ માટે ભારતે બે પ્રેક્ટિસ મેચમાં શાનદાર જીત મેળવીને વર્લ્ડ કપ પહેલા પોતાની તાકાદ દર્શાવી છે. પાકિસ્તાન સામેની મેચ પહેલાં જ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર ઈંઝમામ ઉલ હકે ભારતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિઓમાં ભારત દુનિયાની સૌથી મજબૂત ટીમ છે અને તે ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની શકે છે. 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ ફાઈનલ પહેલાંની સૌથી રોમાંચક મેચ રમાનાર છે.

ઈંઝમામ ઉલ હકે પોતાની યુ-ટ્યુબ ચેનલમાં કહ્યું કે, ભારતની પાસે યુએઈ અને ઓમાનની પરિસ્થિતિઓને કારણે ટ્રોફી જીતવાની સૌથી તક છે. કોઈ પણ ટુર્નામેન્ટમાં એ કહેવું મુશ્કેલ છે કે, કઈ ટીમ જીતશે. પણ મારા મંતવ્ય પ્રમાણે, ખાસ કરીને હાલની પરિસ્થિતિઓને જોતાં, ભારતની પાસે અન્ય કોઈપણ ટીમની સરખામણીમાં આ ટુર્નામેન્ટ જીતવાના ચાન્સ વધારે છે.

ભારત કેમ દુનિયાની સૌથી ખતરનાક ટીમ છે, તે અંગે જણાવતાં પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની સામે 153 રનોનો પીછો કરતાં ભારતને વિરાટ કોહલીને બેટિંગ કરવાની પણ જરૂર ન હતી. આ દર્શાવે છે કે, આ પરિસ્થિતિઓમાં દુનિયાની સૌથી ખતરનાક ટીમ છે. ભારતે આરામથી ઓસ્ટ્રેલિયા સામેની પોતાની પ્રેક્ટિસ મેચ રમી હતી. 155 રનોનો પીછો કરતાં જોઈએ તો, તેઓને જીત માટે વિરાટ કોહલીની પણ જરૂર ન હતી.