કેન્યામાં જન્મેલા અને 51 વર્ષથી લંડનમાં રહેતા જાણીતા જૈન અગ્રણી ધીરુભાઇ ગાલાણીએ પોતાની પત્ની ઈન્દિરાબેનના અંગોના દાન અંગે માહિતી આપતાં કહ્યું હતું કે ‘’ભગવદ ગીતાના અધ્યાય 2ના શ્લોક 25માં પણ કહ્યું છે કે “આત્મા અદૃશ્ય, અકલ્પ્ય અને અપરિવર્તનશીલ છે, જેથી તમારે શરીર માટે શોક કરવો જોઈએ નહિં.”

તેમણે કહ્યું હતું કે ‘’મારા પત્ની ઈન્દિરાને ગયા વર્ષે બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ મેં અને મારી બે પુત્રીઓએ સર્વસંમતિથી અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. ઈન્દિરા અને મેં થોડા વર્ષો પહેલા નવનાત વણિક એસોસિએશનના વાર્ષિક જન્માષ્ટમી મેળામાં અંગદાનનો નિર્ણય લીધો હતો. એક વિશેષજ્ઞ નર્સે ઈન્દિરાના કયા અંગો દાન કરી શકાય તે વિષે મને જાણકારી આપી હતી. તો, અમે નર્સને વિનંતી કરી હતી કે અંગો કાઢવાની પ્રક્રિયા દરમિયાન તેઓ ઇન્દિરાને પ્રિય હનુમાન ચાલીસા વગાડવી. તેણીએ અમને અવયવોના ટ્રાન્સફર થવાનો સંભવિત સમય અને ઈલિંગ હોસ્પિટલમાં વેન્ટિલેટર ક્યારે બંધ કરવામાં આવશે તેની માહિતી આપી હતી.’’

શ્રી ગાલાણીએ કહ્યું હતું કે ‘’ઇન્દિરા માનતી હતી કે અંગ દાન “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને મૂર્ત કરે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના તેના સ્વભાવ સાથે પણ સુસંગત હતું. જૈન અને હિંદુ ધર્મ પણ સેવા અને કરુણાના મહત્વ આપે છે. માટે જ મારા મતે જૈન અને હિંદુ સમુદાયે અંગ દાન માટે વિચારવું અને પ્રતિબદ્ધ થવું જોઇએ. હું આપણાં સમુદાયમાં સૌને અંગદાન કરવા માટે વિચારવા વિનંતી કરૂ છું.’’

LEAVE A REPLY