જૈન અને હિન્દુ ઓર્ગન એલાયન્સ (JHOD) દ્વારા પાર્લામેન્ટમાં લોર્ડ જીતેશ ગઢિયાની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં ઇંગ્લેન્ડમાં અંગ દાનને પ્રોત્સાહન આપવા માટે નવી પ્રેરણાની અગત્યતા વિષે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં વિવિધ સામાજીક સંસ્થાઓ અને અન્ય ભાગીદારો સાથે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

કોવિડે અંગદાનની પ્રવૃત્તિને નોંધપાત્ર રીતે અસર કરી છે અને તેને કારણે હવે રોગચાળા પહેલા કરતાં વધુ દર્દીઓ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે 2019/20માં 5,699 લોકોની સરખામણીમાં 2022/23માં 6,959 લોકો અંગોની રાહ જુએ છે. ઇંગ્લેન્ડમાં મે 2020થી અમલમાં આવેલ ઓપ્ટ-આઉટ સિસ્ટમમાં કાયદામાં થયેલા ફેરફારની અસર મર્યાદિત રહી છે. જેને કારણે મૃત્યુ પછી સ્વજનના અંગોનું દાન કરવા સંમતિ આપનાર પરિવારોની ટકાવારી 6 ટકા ઘટી છે.

પ્રાઈમરી કેર એન્ડ પબ્લિક હેલ્થ માટેના અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રી નીલ ઓ’બ્રાયન, એમપીએ વંશીય લઘુમતી સમુદાયના જૂથોએ તેમના સમુદાયોમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે કરેલા કાર્યની ખૂબ પ્રશંસા કરી આ મીટિંગ ગોઠવવા બદલ લોર્ડ ગઢિયાનો આભાર માન્યો હતો. તેમણે મૃત્યુ પછી અંગોનું દાન કરવા માટે નોંધણી કરવાના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે હોસ્પિટલમાં ખાસ તાલીમ પામેલ નર્સ વાતચીત કરે છે ત્યારે મૃતકના પરિવારજનો અંગદાન માટે સંમતિ આપે છે. સમાજે હજી લાંબી મજલ કાપવાની છે મીટિંગના પરિણામો પર ધ્યાનપૂર્વક વિચારણા કરવામાં આવશે.

લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે “અંગ દાન ખાસ કરીને દક્ષિણ એશિયાના લોકોના જીવન પર અપ્રમાણસર અસર કરે છે અને આપણા સમુદાયના સેંકડો સભ્યો દર વર્ષે અંગની રાહ જોતા મૃત્યુ પામે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ઓપ્ટ-આઉટ સિસ્ટમના કાયદામાં કરાયેલો ફેરફાર આ મહત્વપૂર્ણ હેલ્થ કેર અસમાનતાને દૂર કરવામાં મદદ કરશે. આશા છે કે અમે અંગ દાનની સંમતિનો દર વધારવાના અમારા પ્રયત્નોને બમણા કરી શકીશું અને આ મહત્વપૂર્ણ મુદ્દાને હલ કરવા માટે નવી પ્રેરણા આપી શકીશું.”

JHODના અધ્યક્ષ કિરીટ મોદી, MBEએ બેઠકમાં વંશીય લઘુમતી સમુદાયો પરની અસર સમજાવી અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહેલા વંશીય લઘુમતીના દર્દીઓની સંખ્યા અંગે પ્રકાશ પાડ્યો હતો. આ સંખ્યા માર્ચ 2020માં 1,826 થી વધીને માર્ચ 2023 માં 2,237 થઈ છે. તે જ સમયે, વંશીય લઘુમતીના દાતાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.  મૃત્યુ પછી દાન કરનાર દાતાઓની સંખ્યા 112થી 108 અને જીવંત કિડની દાતાઓની સંખ્યા 159થી 130 થઇ છે.

અંગ દાનને પ્રોત્સાહન આપવા માટે NHSએ JHOD જેવા વંશીય લઘુમતી જૂથો સાથે કામ કરીને તાકીદે વિકાસ કરવો જોઈએ અને NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિભાગે વંશીય લઘુમતી જૂથોને લાંબા ગાળાના ભંડોળની ફાળવણી કરવી જોઈએ.’’

JHOD ના પેટ્રન અને ગાયક – ગીતકાર નવીન કુન્દ્રાએ કહ્યું હતું કે “અંગ દાન બાબતે જાગૃતિ વધારવા માટે હું ખરેખર ઉત્સાહી છું. અંગદાન ક એવી ભેટ છે જે લોકોને જીવનની ભેટ આપે છે, તે એક નિઃસ્વાર્થ કાર્ય છે જે ખરેખર જીવનને બદલે છે.”

એમ.પી. શૈલેષ વારાએ જણાવ્યું હતું કે “અંગ દાનનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને કાયદામાં થયેલ ફેરફાર અંગે વધુ જાગૃતિ લાવીશું તો આપણે વધુ જીવન બચાવવાનો પ્રયાસ કરી શકીશું.”

સારાહ ઓલ્ની એમપી અને લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ડૉ. પૉલ બૉડુ, જૈન અગ્રણી ધીરુભાઇ ગાલાણીએ પૂરક માહિતી આપી હતી.

LEAVE A REPLY