અમેરિકામાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે ભારતમાં મૂળિયા ધરાવતા કમલા હેરિસ ચૂંટાયા છે. કમલા હેરિસે વિજય બાદ પોતાના સમર્થકોનો દિલથી આભાર માન્યો હતો .તેમણે વિજય બાદના પોતાના પહેલા સંબોધનમાં પોતાની માતા શ્યામલા ગોપાલનને યાદ કરતા કહ્યું હતું કે, 19 વર્ષની વયે જ્યારે તે ભારતથી અમેરિકા આવ્યાં ત્યારે તેમણે આવી કલ્પના પણ નહીં કરી હોય.
હેરિસે કહ્યું હતું કે, આપણે ભવિષ્યમાં ઘણું કામ કરવાનુ છે. હું ભલે આ પદ માટે ચૂંટાયેલી પહેલી મહિલા છું, પણ છેલ્લી પણ નથી. હું આજે અહીંયા ઉભી છું, તે માટે જો સૌથી વધારે કોઈનો આભાર માનું તો તે મારી માતા શ્યામલા હેરિસ છે. તે 19 વર્ષની વયે ભારતથી અમેરિકા આવી હતી, તે વખતે તેને કદાચ કલ્પના પણ નહોતી કે મારી પુત્રી વાઇસ પ્રેસિડન્ટ બનશે. તે અમેરિકાના મુલ્યોમાં ભારે વિશ્વાસ કરતી હતી અને તેને ખબર હતી કે અમેરિકામાં કોઈને પણ આગળ જવાની તક મળી શકે છે.
હેરિસે વધુમાં જણાવ્યું હતું કે , આજે રાતે હું મારી માતા અને તેની પેઢીની મહિલાઓ, અશ્વેત, મહિલાઓ, એશિયન, વ્હાઈટ, લેટિન અને નેટિવ અમેરિકન મહિલાઓ માટે વિચારી રહીં છું, જેમણે અમેરિકાના ઈતિહાસમાં સતત સંઘર્ષ કરીને ભવિષ્યની પેઢીની મહિલાઓ માટેનો માર્ગ મોકળો કર્યો છે. મારી જીત મહિલાઓ માટે એક શરુઆત જ છે અને હું આ પદ પર પહોંચનાર આખરી મહિલા નથી.