પહેલી ઓક્ટોબર 2014ના આ ફાઇલ ફોટોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના તત્કાલિન વાઇસ પ્રેસિડન્ટ જો બિડેનને અભિનંદન આપે છે. મોદીએ અમેરિકાના 46માં પ્રેસિડન્ટ બનવાં માટે બિડેનને અભિનંદન આપ્યાં છે. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલી જો બિડેનને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જો બિડેન, તમને એક ભવ્ય જીત માટે મારા અભિનંદન, તમે અગાઉ વાઇસ પ્રેસિડન્ટ તરીકેના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સબંધોને મજબૂત કરવા માટે આપેલુ યોગદાન મહત્વપૂર્ણ અને અમૂલ્ય હતુ. હું ભારત અને અમેરિકાના સબંધોને વધારે ઉંચાઈએ લઈ જવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છું.

મોદીએ કમલા હેરિસને સંબોધીને પણ કહ્યું હતું કે, તમને શુભકામનાઓ, તમારી જીત પ્રેરણા આપનાર છે અને અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નાગરિકો માટે ગર્વનો વિષય પણ છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે અમેરિકામાં જો બિડેનની સરકાર સાથે મળીને કામ કરવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે અને તેના ભાગરુપે ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સુધી ભારત સરકારનો સંદેશો પહોંચાડવાની જવાબદારી ભારતના રાજદૂતને મોદી સરકારે સોંપી છે.