(Photo by Christopher Furlong/Getty Images)

લેસ્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે ધામધૂમપૂર્વક દિવાળી અને ક્રિસમસ પર્વની ઉજવણી શહેરની શેરીઓમાં કરવામાં આવશે એવી લેસ્ટર સિટી કાઉન્સિલે જાહેરાત કરી છે. જો કે પાછલા વર્ષોની સરખામણીમાં તેનું ફોરમેટ થોડું અલગ રહેશે જેમાં લોકોને એક જ સમયે એક જગ્યાએ ભેગા થવાની જરૂરિયાત ઘટાડવામાં આવશે. કોવિડ-19 પ્રતિબંધોને કારણે, ગયા વર્ષે વર્ચ્યુઅલ રીતે ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાઉન્સિલ 24 ઓક્ટોબરના રોજ દિવાળી લાઇટીંગના સ્વિચ-ઓન ડે અને 4 નવેમ્બરે દિવાળીના દિવસ માટે બેલગ્રેવ રોડને હંમેશની જેમ ટ્રાફિક માટે બંધ કરવાની યોજના ધરાવે છે. હવે બેલગ્રેવ રાઉન્ડઅબાઉટ નજીક સ્ટેજ રાખવાના બદલે બેલગ્રેવ રોડ પર બે વિશાળ સ્ક્રીનો મૂકવામાં આવશે અને પ્રી રેકોર્ડેડ સાંસ્કૃતિક કાર્યક્રમ દર્શાવવામાં આવશે જે છેક સાંજ સુધી ચાલશે. કોસિંગ્ટન સ્ટ્રીટ રિક્રિએશન ગ્રાઉન્ડ પર ત્રીજી વિશાળ સ્ક્રીન મૂકવામાં આવશે. જેને કારણે મુલાકાતીઓને વિવિધ સ્થળોએ અને જુદા જુદા સમયે મનોરંજન કાર્યક્રમો જોઇ શકશે અને દર વખતની જેમ સાંજે એક નિશ્ચિત સમયે અને સ્થળે થતી ભીડ ભેગી થતી અટકશે.

કોવિડ સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વાર્ષિક ફાયરવર્ક્સ – આતશબાજીનો કાર્યક્રમ આ વર્ષે કોસિંગ્ટન સ્ટ્રીટ રીક્રીએશન મેદાન પર ફાયર ગાર્ડનના નામથી થશે. ગ્લોબલ રેઈન્બો અંતર્ગત શહેભરમાં દેખાય તે રીતે બીમ લાઇટ ફેંકવામાં આવશે. ત્યાં દિવાળી વિલેજનું આયોજન પણ કરવામાં આવશે જેમાં ફૂડ સ્ટોલ અને ફનફેર રાઇડ્સ હશે.

ડેપ્યુટી મેયર ફોર કલ્ચર કાઉન્સિલર પીયારા સિંઘે કહ્યું હતું કે “અમે જાહેર સલામતીને પ્રાથમિકતા આપવા સાથે દિવાળી અને ક્રિસમસ સેલીબ્રેશનને લેસ્ટરની શેરીઓમાં પાછા લાવવા માટે શક્ય તેટલું બધું કરવા માટે સંકલ્પબદ્ધ છીએ. દિવાળી ઇવેન્ટ્સના નવા ફોર્મેટનો અર્થ એ છે કે લોકોએ સાંજે કોઈ એક સમયે દિવાળી ઉજવણીના સ્થળે ભેગા થવાની જરૂર નથી. ક્રિસમસ માટેની અમારી યોજનાઓને હાલમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, પરંતુ અમે સમાન અભિગમ અપનાવીશું.”

24 ઓક્ટોબર રવિવારે સાંજે 5 વાગ્યે બેલગ્રેવ રોડ બંધ થશે અને દિવાળીની લાઇટ ચાલુ કરવામાં આવશે. સાંજના 5.30 થી 8.30 વાગ્યા સુધી દર કલાકે વિશાળ સ્ક્રીનો પર સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવવામાં આવશે. તેમાં હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિ તેમજ નૂપુર આર્ટ્સ અને સ્થાનિક ડાન્સ ગૃપ્સના મનોરંજનનો સમાવેશ થશે. ભીડ એકઠી ન થાય તે માટે રસ્તા બંધ થાય તે પહેલા લાઇટ ચાલુ કરવામાં આવશે.

ગુરૂવાર 4 નવેમ્બરે દિવાળીના તહેવારો પણ સાંજે 5 વાગ્યે રસ્તા બંધ થવા સાથે શરૂ થશે, અને સાંજે 5.30થી 8.30 સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવવામાં આવશે. લેસ્ટરના જ્યુબિલી સ્ક્વેર પર 2 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી આઇસ-રિંક લાવવાની જાહેરાત થઇ ચૂકી છે. જેની ટિકિટો ઓક્ટોબરમાં વેચાવાનું શરૂ થશે.  એબી પાર્ક પર કાઉન્સિલનું વાર્ષિક બોનફાયર અને આતશબાજી આ વર્ષે પરત થશે જેની વધુ વિગતો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.