જાન્યુઆરી 2018નો ફાઇલ ફોટો (Photo by Ben Birchall - WPA Pool / Getty Images)

મેગને ચોંકાવનારૂ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ‘’જ્યારે તે પ્રિન્સ હેરીના પહેલા બાળક આર્ચીનો ગર્ભ ધરાવતી હતી ત્યારે તેણી પાંચમા મહિને આત્મહત્યાની લાગણી અનુભવતી હતી. તેણે પ્રિન્સ હેરીને કહ્યું હતું કે જ્યારે તેઓ યુકેમાં હતા ત્યારે તે જીવિત રહેવાની ઇચ્છા રાખતી ન હતી.

મેગને કહ્યું હતું કે શાહી પરિવારના દરેક સદસ્યો દ્વારા શરૂઆતમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણીએ મહારાણીને પ્રથમ વખત મળી તેનું વર્ણન પણ કર્યું હતું. તે વખતે તેને ફર્ગી પાસેથી મહારાણી સમક્ષ કઇ રીતે કર્ટસી (આદર) કરવું તે શીખવા કહેવાયું હતું. પરંતુ પછીથી તેને ચૂપ કરી દેવાઇ હતી. તેણીએ મહેલમાં ફસાઇ ગઇ હોવાની લાગણી થતી હોવાનો અને મિત્રો સાથે બપોરના ભોજન માટે બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો હોવાનો દાવો કર્યો હતો. પેલેસના અધિકારીઓએ અન્ય રોયલ્સને બચાવવા માટે જૂઠું બોલ્યા હતા અને મારો ‘પાસપોર્ટ, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, મારી ચાવીઓ’ લઈ લીધાં હતાં તેમ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે જ્યારે રોયલ ફેમિલીમાં સામેલ થઈ ત્યારે તે ‘ભોળી’ હતી અને હેરી વિશે તેણે ક્યારેય સંશોધન કર્યું ન હતું.

ડચેસ ઑફ સસેક્સ મેગને ઓપ્રાહને કહ્યું હતું કે તેણી ‘એકલી રહી શકતી ન હતી અને બકિંગહામ પેલેસના એચઆર વિભાગ પાસે મદદની માંગણી કરતા તેની અરજીને અવગણવામાં આવી હતી કારણ કે તેણી ‘પગારદાર’ ન હતી.

મેગને જણાવ્યું હતું કે ‘’મારૂ મોત ‘દરેક માટે સારું હતું’ એમ માનીને હું મારૂ જીવન સમાપ્ત કરવાનું વિચારતી હતી. હું જીવંત રહેવા માંગતી નહતી. તે ખૂબ જ સ્પષ્ટ, વાસ્તવિક, ભયાનક અને સતત વિચાર હતો. મને યાદ છે કે તેણે (હેરીએ) મને કેવી રીતે જકડીને આલિંગન આપ્યું હતું. મેં કહ્યું હતું કે મારે મદદ માટે ક્યાંક જવાની જરૂર છે. પરંતુ મને કહેવામાં આવ્યું હતું કે હું તેમ કરી શકુ નહિ. કેમ કે તે શાહી પરિવાર માટે સારું નહીં હોય. આ પહેલાં મને ક્યારેય આવું લાગ્યું નથી. હેરીએ લોસ એન્જલસ જવાની સંમતિ આપીને ‘મારું જીવન બચાવી’ લીધું હતું.’’