અમેરિકન ડોલર સામે નબળો પડી રહેલા ભારતીય રૂપિયાને બચાવવા માટે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા માર્ચ મહિનામાં 20.10 બિલિયન ડોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું, જે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ છે. રીઝર્વ બેન્કના મે મહિનાના માસિક બુલેટિનમાં જણાવ્યા મુજબ બેન્કે માર્ચમાં 24.2 બિલિયન ડોલરના વેચાણની સામે 4.3 બિલિયન ડોલર ખરીદ્યા હતા.
આમ માર્ચમાં રિઝર્વ બેન્કનું ચોખ્ખું વેચાણ 20.10 બિલિયન ડોલરનું હતું. માર્ચ 2021માં રીઝર્વ બેન્કે 5.69 બિલિયન અમેરિકન ડોલર ખરીદ્યા હતા.
ફેબ્રુઆરીમાં રીઝર્વ બેન્કે હાજર બજારમાં 5.94 બિલિયન ડોલરની ખરીદી અને 5.17 બિલિયન ડોલરનું વેચાણ કરતા તે મહિને યુએસ કરન્સીની ચોખ્ખી ખરીદી 77.1 મિલિયન ડોલર રહી હતી.
ફોરવર્ડ ડોલર માર્કેટમાં માર્ચ 2022ના અંતે બાકી ચોખ્ખી ખરીદી 65.791 બિલિયન ડોલર હતી, જે ફેબ્રુઆરી 2022માં 49.106 બિલિયન ડોલર નોંધાઇ હતી.