રીઝર્વ બેન્કના તાજેતરના આંકડાના વિશ્લેષણ અનુસાર મહામારી પછી મોંઘવારી વચ્ચે વિદેશવાસી ભારતીયોનું ડીપોઝિટ્સમાં રોકાણ 50 ટકા સુધી ઘટી ગયું છે. માર્ચ 2022માં સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં આ રોકાણ ઝડપથી ઘટીને 3.23 બિલિયન ડોલર નોંધાયું છે, જ્યારે તેની અગાઉના નાણાંકીય વર્ષમાં આ રોકાણનો આંકડો 7.36 બિલિયન ડોલર હતો. આ નાણાકીય વર્ષના અંતે કુલ એનઆરઇ ડીપોઝિટ્સ ઘટીને 138.02 બિલિયન ડોલર થઇ છે. જ્યારે તેની અગાઉના નાણાંકીય વર્ષ 2021માં ડીપોઝીટ્સ 10 બિલિયન ડોલર વધીને 141.98 બિલિયન ડોલર હતી, જે નાણાંકીય વર્ષ 2020માં 130.58 બિલિયન ડોલર હતી. ફોરેન કરન્સી નોન- રેસિડેન્ટ એકાઉન્ટ (એફસીએનઆર) ડીપોઝિટ્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે અને તે માર્ચ 2021ના 20.47 બિલિયન ડોલરથી ઘટીને માર્ચ 2022ના અંતે 16.91 બિલિયન ડોલર થઇ છે.
નાણાકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક નાણાંકીય સ્થિતિ અને ફુગાવાની પરિસ્થિતિમાં ફેરફાર આવનારા સમયમાં એનઆરઆઇ ડિપોઝિટ્સમાં નાણાં પ્રવાહને અસર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ફેબ્રુઆરીના અંતે યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ પછી ભારતના વિદેશી હૂંડિયામણમાં જંગી ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષ 2022માં ભારતનું ફોરેક્સ રીઝર્વ ૩૦.૩ બિલિયન ડોલર વધીને 607.3 બિલિયન ડોલર થયું હતું, જે ત્યારબાદ સતત ઘટતા 6 મે, ૨૦૨૨ના રોજ 596 બિલિયન ડોલર રહ્યું હતુ.