Recommendations to be adopted by patients suffering from asthma
highlighted blue healthy lungs on woman body

ડો. યુવા અય્‍યર આયુર્વેદિક ફિઝિ‌શિયન

શરીરને ટકાવી રાખવા માટેની કેટલીક સરળ તો કેટલીક એકબીજી ક્રિયાઓ પર આધારિત જટિલ દેહધાર્મિક ક્રિયાઓ આપણી જાણ બહાર જ અવિરતપણે ચાલ્યા કરતી હોય છે. શ્વાચ્છવાસની ક્રિયા પણ તેમાંની એક ક્રિયા છે. પરંતુ શ્વાસ દ્વારા પ્રાણવાયુ શરીરનાં પ્રત્યેક કોષમાં પહોંચાડવા તથા ઉચ્છવાસ દ્વારા શરીર માટે બિનઉપયોગી વાયુ બહાર કાઢવાની ક્રિયામાં બાધા ઉત્પન્ન થાય, ખૂબ જોર લગાવવું પડે ત્યારે શ્વસનક્રિયા તરફ વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત થઇ જાય છે. આથી જ અસ્થમાને આયુર્વેદમાં ‘શ્વાસ’ રોગ તરીકે સંબોધાયો હશે!

આધુનિક સમયમાં ખૂબ જોવા મળતો રોગ – અસ્થમા:
અસ્થમાનાં દર્દીઓને સામાન્ય વાયરલ ઇન્ફેકશન લાગી શરદી – ફલુ જેવી બીમારી થતાં, ધૂળ-ધૂમાડો-પોલન જેવા ટ્રિગરીંગ કારણો શ્વાસમાં જતાં, ઋતુનાં બદલાવની સાથે બદલાતા તાપમાન – ભેજની અસરથી તો વળી ક્યારેક માનસિક શ્રમ પડવાથી કે સ્ટ્રેસ જેવા કારણોથી અચાનક ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દબાણ અનુભવાવું, ચહેરો ફીકો થઇ પરસેવો વળી જવો, હોઠ – નખ વાદળી થઇ જવા જેવા લક્ષણો સાથે શ્વાસ ચઢવા લાગતો હોય છે.
ખૂબ લાંબા સમયથી શ્વાસની બિમારીથી પીડાતા દર્દીઓ પોતાને નહીં માફક આવતાં ખોરાક, શારીરિક – માનસિક શ્રમ જેવા કારણો વિશે સજાગ હોય છે. થોડી આગોતરી કાળજી લઇ શ્વાસનાં એટેકને અટકાવી શકતાં હોય છે. તેમ છતાં પણ અસ્થમાને સંપૂર્ણપણે મટાડવું શક્ય બનતું નથી. આ વાસ્તવિકતાનાં સ્વીકાર સાથે નિયમિત દવાનો સહારો લેતાં હોય છે. કફનેદૂર કરી અને શ્વાસની આવ-જા યોગ્ય રીતે થઇ શકે તેવી દવાઓનાં એન્ટીઅસ્થમેટિક પમ્પથી શ્વાસ દ્વારા જ દવા લેવાનું વધુ સરળ અને સુરક્ષિત કહેવાય છે. રેગ્યુલર પમ્પનાં ઉપયોગથી રોજ-બ-રોજના જીવનમાં સરળતા જાળવી રાખતા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એ માટે આધુનિકરણ સાથે જોડાયેલ પ્રદૂષણ, બેઠાડું જીવન, રોગપ્રતિકારક શક્તિની કમી, યોગ્ય ખોરાક કારણભૂત છે.

અસ્થમાનાં રોગીને શ્વાસ કેમ ચઢે છે? શું કરવું?
શ્વસનતંત્રમાં કાર્યરત શ્વસનનલિકાઓમાં વિકૃત થયેલા કફ અને વાયુ દોષને કારણે શ્વાસનું આવાગમન થવા માટેનો માર્ગ સંકોચાઇ જતો હોવાથી, શરીરને શ્વાસ દ્વારા પૂરતી માત્રામાં ઓક્સિજન મળી શકતો નથી. ફેફસા દ્વારા અશુદ્ધ વાયુ ઉચ્છવાસ રૂપે બહાર ફેંકવામાં પણ તકલીફ થાય છે. આથી વારંવાર ટૂંકા અને જોર લગાવીને શ્વાસોચ્છવાસની ક્રિયા કરવી પડે છે.

આમ શ્વાસ રોગ માટે જવાબદાર મુખ્ય કારણોથી શરીરમાં ત્રિદોષમાંના વાયુ અને કફનાં પ્રમાણથી વધતાં અને તેનાં સામાન્ય ગુણધર્મોથી વિકૃત થવા માટેનાં જવાબદાર કારણો વિશે જાણવું તથા તેમ થતું અટકાવવા માટે શું કરવું તે જાણવું જરૂરી છે.

અસ્થમાનાં રોગીઓએ નિયમિત અપનાવવા જેવા સૂચનો

• સૌથી મહત્વપૂર્ણ ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેર ક્યોર’ સૂત્ર મુજબ જે તે કારણથી અસ્થમા ટ્રીગર થતો હોય તે વિશે જાણી તે દૂર કરવા સાવચેતી રાખવી.
• શ્વસનતંત્રની નબળાઇ, ઇમ્યુનિટી પાવર ઓછો હોય તથા નજીવા કારણોથી વાયુ અને કફ દોષ વિકૃત થતો હોય તેઓએ બધાં જ પોષકતત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવો પૌષ્ટિક તથા તાજો ખોરાક ખાવા.
• સિઝનલ વિજીટેબલ્સ – ફ્રુટ્સનો ઉપયોગ વધુ કરવો જેથી રોગપ્રતિકારક શક્તિ જળવાઇ રહે.
• ખોરાકની જેમ જ ઊંઘ પણ આવશ્યક માત્રામાં તથા માનસિક આરામ જરૂરી છે.
• રાત્રે 7થી 8 કલાકથી વધુ ઊંઘવું કે પછી દિવસે સુવાથી કફ વિકૃત થાય છે.
• શરીરની ક્ષમતાને બગડતા અટકાવવા માટે પાચન યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે. આથી નિયમિત અંતરે, નિયત સમયે તાજો ખોરાક ખાવો.
• દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી પીવું. કબજિયાત ન રહે તેની કાળજી રાખવી.
અસ્થાનાં દર્દીઓ નિયમિત અપનાવી શકે તેવા ઉપચાર
• પાચન સુધારવા માટે –
સૂંઠ, મરી અને પીપરનાં ચૂર્ણો સરખાભાગે ભેળવી 1 ટી-સ્પૂન ચૂર્ણ મધ સાથે જમ્યા બાદ ચાટી જવું. જરૂર જણાય તો દિવસમાં બે વખત.
• સવારનાં નાસ્તાની સાથે હર્બલ ટી
હર્બલ ટી એકઃ અડધો કપ દૂધ. અડધો કપ પાણી. 1 ઇંચ આદુનો ટુકડો છીણી ઉકાળવું. 1 ટી-સ્પુન હળદર અને 4 મરીની ભુક્કી થોડું મધ ઉમેરી નવશેકું ગરમ પીવું.
હર્બલ ટી બેઃ 1 કપ ઉકળતા પાણીમાં 1 ઇંચ તજનાં ટુકડાનો ભુક્કો તથા 1/2 ચમચી સૂંઠનો પાવડર નાખી થોડો સમય ઢાંકી રાખી નવશેકું ગરમ, દેશી ગોળ ઉમેરી પીવું.
હર્બલ ટી ત્રણઃ તમાલપત્ર 3-4 ઇંચ માપનાં લઇ ભુક્કો કરી 1/4 ટી-સ્પૂન પીપરનું ચૂર્ણ અડધા કપ ઉકળતા પાણીમાં નાખી ઢાંકી ઠંડુ થયે મધ ઉમેરીને પીવું.
• રસાયન ચૂર્ણ 3 ગ્રામ દિવસમાં બે વખત પાણી સાથે લેવું. રસાયન ચૂર્ણમાં રહેલ ગાળો ઇમ્યુનિટી વધારે છે. આંબળા એન્ટીઓક્સિડન્ટ અને વારંવાર વાયરલ-ફલુનાં ઇન્ફેકશન રોકે છે. ગોખરું ડિટોક્સ કરવાવાળું સારું ઔષધ છે.
• ક્રોનિક અસ્થમાનાં પેશન્ટ કફ-શ્વાસથી પીડાતા હોય તેઓ 3 ગ્રામ પુષ્કરમૂળનાં ચૂર્ણને 1 ચમચી મધ સાથે દિવસમાં બે કે ત્રણ વખત ચાટી શકે છે.
• જમ્યા બાદ પાણી નવશેકું ગરમ પીવાનું રાખવાથી અસ્થમાના એટેક ઘટે છે.
અનુભવસિદ્ધ

શ્વાસકાસચિંતામણી, શ્વાસકુઠાર રસ, બૃહદ વાત ચિંતામણી રસ, દશમૂળક્વાથ જેવી દવાઓ યોગ્ય મર્ગદર્શનમાં લેવાથી જૂના શ્વાસનાં રોગમાં પણ ફાયદો થઇ શકે છે. પરંતુ રોગ કરનાર પરિબળો ધ્યાનમાં રાખી અને દરરોજનાં ખોરાક – જીવનમાં જો અહીં જણાવ્યા તેવા સાદા ઉપચાર અપનાવીએ તો પાણી પહેલા જ પાળ બાંધવી શક્ય બને છે.

LEAVE A REPLY