ગરમી રાહત મેળવવા અમદાવાદની સાબરમતી નદીમાં છલાંગ REUTERS/Amit Dave

હવામાન વિભાગે મંગળવારે અમદાવાદમાં ગરમીનો રેડ એલર્ટ જારી કર્યો હતો અને ગરમીનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા વ્યક્ત કરી હતી. સવારથી જ અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં કાળઝાળ ગરમી ચાલુ થઈ જાય છે. ગરમીનું પ્રમાણ વધવાથી તેની અસર બપોરના સમયે રસ્તાઓ અને બજારોમાં પર સુમસામ બની જાય છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મે મહિનો સામાન્ય કરતા વધુ ગરમ રહેવાનો છે અને તેની અસર દેખાવાનું શરુ થઈ ગયું છે.

પવનની દિશામાં ફેરફાર થતા ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે જેમાં ઉત્તર-પશ્ચિમ પવન ફૂંકાવાથી તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગોમાં હીટવેવની અસર રહેવાની આગાહી કરવામાં આવી છે. મંગળવારે એટલે કે આજે અમદાવાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ગરમીનો પારો અમદાવાદ અને વડોદરામાં 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે સૌથી વધુ કંડલા પોર્ટનું 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેની અસર બપોરના સમયે રસ્તાઓ પર પણ જોવા મળે છે, શહેરમાં બપોરના સમયે નાના ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જ્યારે લાંબા સમય સુધી ચાર રસ્તા પર ઉભા રહેવું પડતું હોય તેવા સિગ્નલની સેકન્ડોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ગરમી 43 ડિગ્રી રેકોર્ડ થઈ હતી જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું હતું. આ સિવાય દ્વારકા, વેરાવળ, મહુવા સહિતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગરમીનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતા નીચું રહ્યું હતું. ગરમીનું પ્રમાણ વધવાના કારણે તેનાથી થતી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં લૂ લાગવાના અને માથું દુખવા સહિતના કેસની સંખ્યામાં પાછલા એક મહિનાથી વધારો થઈ રહ્યો છે. આવામાં 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સને આવતા ફોનની સંખ્યામાં પણ વધારો થયો છે.