અમદાવાદમાં બુધવારે નિર્માણાધિન બિલ્ડિંગમાં 13માં માળેથી નીચે પટકાતા ઓછામાં ઓછા સાત મજૂરોના મોત થયા હતા . (PTI Photo)

અમદાવાદમાં બુધવારે નિર્માણાધિન બિલ્ડિંગમાં 13માં માળેથી નીચે પટકાતા ઓછામાં ઓછા સાત મજૂરોના મોત થયા હતા અને એકને ઇજા થઈ હતી. આ બિલ્ડિંગનું નામ એસ્પાયર-2 હતું અને તે ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

આ મજૂરો બિલ્ડિંગના એલિવેટર શાફ્ટમાં 13માં માળે કામ કરી રહ્યાં હતા. આ ઘટના સવારે 9.30 વાગ્યે બની હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એલ બી ઝાલાએ ણાવ્યું હતું કે એલિવેટર શાફ્ટમાં કામ કરી રહેલા છ મજૂરો 13મા માળેથી નીચે પટકાયા હતા, કારણ કે સપોર્ટ સ્ટ્રક્ચર એકાએક તૂટી ગયું હતું. આ દુર્ઘટનાને કારણે પાંચમાં માળે કામ કરી રહેલા બીજા બે મજૂરોએ પણ સંતુલન ગુમાવ્યું હતું. તેમાંથી સાત મજૂરોના મોત થયા હતા અને એકની સારવાર ચાલુ છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો પગલાં લેવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે મૃતક મજૂરો પંચમહાલ જિલ્લાના હતા.

અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટને કોઇ જાણકારી આપવામાં આવી ન હતી. અમને કોઇ કોલ મળ્યો ન હતો. અમે મીડિયામાંથી જાણકારી મેળવીને ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સાઈટ પર થયેલા અકસ્માતનો એટલો પ્રચંડ ધડાકો સંભળાયો હતો કે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને દુર્ઘટનાની તપાસ હાથ ધરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગમાં સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ મજૂરો કરી રહ્યા હતા. આ કામ દરમિયાન 13મા માળનો માચડો ભારે વજનને કારણે તૂટ્યો હતો. સ્લેબ તૂટતાં જ આઠેય મજૂરો એકસાથે નીચે પડ્યા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધી હતી. શ્રમિકો 8મા માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનને કારણે નેટ પણ તૂટી પડી હતી. નેટ તૂટતાં 8મા માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પડ્યા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.

મીડિયા રીપોર્ટ મુજબ મૃતકોમાં પંકજ ખરાડી, સંજય બાબુભાઈ નાયક, જગદીશભાઇ રમેશભાઈ નાયક, અશ્વિન સોમાભાઈ નાયક, મુકેશ ભરતભાઈ નાયક, રાજમલ સુરેશભાઈ ખરાડી અને પંકજભાઇ શંકરભાઇ કરાડીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

16 − 3 =