ગુજરાતમાં 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરાઈ હતી. વલસાડ  તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતાં. મુખ્યપ્રધાને વલસાડને લગભગ ₹138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાને કેટલાંક કાર્યક્રમોની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે વલસાડ એ ભૂમિ છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા. આ પારસીઓએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામડાઓની માટી દિલ્હી મોકલવામાં આવશે અને ત્યાં શહીદોના સ્મારક પાસે અમૃત વાટિકા બનાવવામાં આવશે. બિપરજોય વાવાઝોડામાં 1 લાખથી વધુ લોકોને સમયસર સલામતરીતે આશયસ્થાનો પર પહોંચાડીને વાવાઝોડાનો મક્કમતા સાથે સામનો કર્યો હતો. ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરીથી મુક્તિ હોય રાજ્ય સરકારે ગુનો આચરતા તત્વો સામે કડકહાથે કામ લઈને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની મજબૂત સ્થિતિ છે. પરંપરાગત ઈધણથી ચાલતા વાહનોને બદલે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહન પોલિસી અમલમાં મુકવામાં આવી છે. અત્યારસુધીમાં 85 હજારથી વધુ ઈ વાહન ચાલકોને રૂપિયા 215 કરોડથી વધી રકમની સબસીડી સરકારે ચુકવી છે.

ગ્રીન ગ્રોથનો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથનો મંત્ર આપ્યો છે, ગ્રીન ગ્રોથ અને ગ્રીન ક્લીન એનર્જીની દિશામાં ગુજરાતે વિરાટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કચ્છના ખાવડા નજીક 30 ગીગાવોટનો હાઈબ્રિટ રિન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને હવે ગુજરાત 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત. વડાપ્રધાને દેશવાસીઓને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યુ હતું, તેમના આહવાનને ગુજરાતે ઉત્સાહ સાથે જીતી લીધુ છે. અત્યારે રાજ્યમાં 33 જિલ્લામાં 2,645 અમૃત સરોવર બની ગયા છે.

 

 

LEAVE A REPLY