Celebration of State Republic Day in Botad

બોટાદ ખાતે 26 જાન્યુઆરીએ ૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. વાયુદળના હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. ૨૮ વિવિધ પ્લાટુનના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દ્વારા તિરંગાને સલામી આપીને ઉપસ્થિત સૌને દેશભક્તિના રંગે રંગ્યા હતા.


આ પાવન અવસરે પરેડ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડ, ગુજરાત મરીન કમાન્ડો, ચેતક કમાન્ડોઝ, બોટાદ જિલ્લા પોલીસ પ્લાટુન, ભાવનગર જિલ્લા પોલીસ પ્લાટુન, રાજકોટ જિલ્લા મહિલા પોલીસ પ્લાટુન, ગુજરાત જેલ પુરુષ પ્લાટુન, શ્વાનદળ, અશ્વદળ, બેન્ડદળ સહિત ૨૮ પ્લાટુનોમાં ૯૨૦ જેટલાં સુરક્ષા દળના જવાનો સહભાગી બન્યા હતા. આ ઉપરાંત ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક મોટર સાઈકલ સ્ટંટ શો તેમજ રાજ્યના ગૌરવવંતા શ્વાનદળ તેમજ અશ્વદળ એ વિવિધ સ્ટંટસ સાથે કૌવત અને કૌશલ્ય દેખાડ્યું હતું.

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા સંગીતના તાલે લાઠી ડ્રિલ તેમજ મલખમ દ્વારા અદ્વિતીય શૌર્ય અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 10 કિલોથી વધુ વજન ધરાવતી રાઈફલ્સ સાથે મહિલા પોલીસ કમાન્ડોએ સુંદર કરતબોની પ્રસ્તુતિ દ્વારા સૌ કોઈને રોમાંચિત કર્યા હતા. મહિલા અને પુરુષ પોલીસ જવાનો દ્વારા ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના પાંચ રાજ્યોના વિવિધ પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ સાથે વીરરસથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

બોટાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ પ્રખ્યાત રચના ‘ચારણ કન્યા’, વંદન તુજને મા ભારતી ગીત, કાનુડો કાળજાની કોર ગરબાના તાલ સાથે નૃત્યપ્રસ્તુતિ થકી બોટાદવાસીઓને ડોલાવ્યા હતા.

LEAVE A REPLY

14 − 3 =