પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે અને તે નિયત કાર્યક્રમ મુજબ ભારતમાં જ યોજાય તેવા આઈસીસીના પ્રયાસો છે, છતાં જરૂર પડ્યે વૈકલ્પિક પ્લાન ઘડાયો હોવાનું આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે ગયા સપ્તાહે જણાવ્યું હતું.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજના એક લાખથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે. કોવિડના ઉછાળા વચ્ચે પણ આઇપીએલ ખાલી સ્ટેડિયમ્સમાં રમાવાનું શરૂ થઈ ગયું છે. જ્યોફે કહ્યું હતું કે, અમે હાલમાં તો નિયત કાર્યક્રમ મુજબ જ આગળ વધવાના છીએ. અમારી પાસે પ્લાન-બી પણ તૈયાર છે, પરંતુ અમે હજી તેનો અમલ કરવાની વિચારણા ચાલુ કરી નથી.

તેમણે જણાવ્યું હતું કે આઇસીસી અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ્સ સાથે પણ સંપર્કમાં છે કે કોવિડના સમયગાળામાં કેવી રીતે ક્રિકેટનું આયોજન કરવું અને તેનું સંચાલન કરવું. હાલમાં ઘણા દેશોમાં ક્રિકેટ રમાઈ રહ્યુ છે અને આપણે તેની પાસેથી શીખવા જેવું છે. અમે બીજા સ્પોર્ટ્સ એકમો સાથે વાત કરી છે કે તેઓ હાલના સંજોગોમાં શું કરી રહ્યા છે, અમે હાલ તો સારી સ્થિતિમાં છીએ પરંતુ વિશ્વ અત્યંત ઝડપથી બદલાઈ રહ્યું છે. તેમણે સ્વીકાર્યુ હતું કે કોવિડ-૧૯ના લીધે મહિલા ક્રિકેટને અસર થઈ છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વિશ્વ કપ સફળતાપૂર્વક યોજાયા પછી મહિલા ક્રિકેટે વેગ પકડયો હતો ત્યાં જ કોરોના આવતા તેને બ્રેક વાગી છે. વીમેન્સ ક્રિકેટમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં જબરજસ્ત પ્રગતિ થઈ હતી.