(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

આશરે 70 વર્ષ પછી એર ઇન્ડિયાને ટાટા ગ્રૂપમાં ફરી આવકારતા ટાટા ગ્રૂપના ઇમેરિટસ ચેરમેન રતન ટાટાએ ટ્વીટ કર્યું હતું કે વેલબેક બેક, એર ઇન્ડિયા. તેમણે એર ઇન્ડિયાના વિમાનમાંથી નીચે ઉતરતા જેઆરડી ટાટાનો જુનો ફોટો ટ્વીટ કર્યો હતો. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે એર ઇન્ડિયાનું પુનનિર્માણ કરવામાં ઘણા પ્રયાસો કરવા પડશે, પરંતુ તેનાથી એવિયેશનમાં ટાટા ગ્રૂપને મજબૂત તક મળશે. એર ઇન્ડિયાની પ્રતિષ્ઠા અને મોભો ફરી સ્થાપિત કરવાની પણ તક છે. ટાટાએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે જેઆરડી ટાટાના વડપણ હેઠળ એર ઇન્ડિયાએ એક સમયે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત એરલાઇનમાં સ્થાન મેળવ્યું હતું.

JRD ટાટા દ્વારા 1932માં કંપનીની સ્થાપના

જહાંગીર રતનજી દાદાભોય (JRD) ટાટાએ 1932માં એરલાઇનનની સ્થાપના કરી હતી અને તે સમયે તેનું નામ ટાટા એરલાઇન્સ હતું. 1946માં ટાટા સન્સના એવિયેશન ડિવિઝનનું એર ઇન્ડિયા તરીતે લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. 1948માં એર ઇન્ડિયા ઇન્ટરનેશનનો પ્રારંભ થયો હતો. 1953માં એર ઇન્ડિયાનું રાષ્ટ્રીકરણ થયું હતું અને તેની માલિક સરકાર બની હતી.

એર ઇન્ડિયાને દરરોજની રૂ.20 કરોડની ખોટઃ રૂ.61,562 કરોડનું દેવું

એર ઇન્ડિયાના માથે હાલમાં રૂ.61,562 કરોડનું દેવું છે. આમાંથી રૂ.46,262 કરોડનું દેવું સરકારની સરકારની એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ (AIAHL)માં ટ્રાન્સફર કરાશે. બાકીનું રૂ.15,300 કરોડનું દેવુ ટાટાને વારસામાં મળશે. પાંડેએ જણાવ્યું હતું કે હાલમાં એર ઇન્ડિયા દરરોજની રૂ.20 કરોડની ખોટ કરે છે. એર ઇન્ડિયાનું ઇક્વિટી મૂલ્ય માઇનસ રૂ.32,000 કરોડ છે. તેથી જો બેલેન્સશીટનું પુનર્ગઠન કરવામાં ન આવે તો બીજો વિકલ્પ કંપનીને બંધ કરવાનો હોય છે. સરકારે એર ઇન્ડિયાને ચાલુ રાખવા માટે છેલ્લાં એક દાયકામાં રૂ.1,10 લાખ કરોડની રોકડ અને લોન ગેરંટી મારફત સહાય કરી છે.