રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

ભારતમાં 11 બિલિયન ડોલરના ટેલિકોમ સ્પેક્ટ્રમની થયેલી હરાજીમાં બિલિયોનેર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જિયોએ સૌથી વધુ સ્પેક્ટ્રમની ખરીદી કરી હતી. કંપની આ ખરીદી મારફત ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં હરીફો સામે સ્પર્ધાત્મક ધાર મેળવવા માગે છે.

ટેલિકોમ સચિવ અંશુ પ્રકાશે મંગળવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે સરકારે તાજેતરની હરાજીમાં કુલ રૂ.778.2 બિલિયનન સ્પેક્ટ્રમનું વેચાણ કર્યું હતું, જેમાંથી રિલાયન્સ જિયોએ રૂ.571.23 બિલિયન (7.8 બિલિયન ડોલર)ના એરવેવ્સની ખરીદી કરી હતી. હરીફ કંપની ભારતી એરટેલે 2.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો, જ્યારે વોડાફોન પીએલસીના ભારતીય એકમે રૂ.19.9 બિલિયનના સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે હરાજીમાં ઓફર કરાયેલા કુલમાંથી 60 ટકા સ્પેક્ટ્રમની હરાજી થઈ હતી. કંપનીઓએ તળિયાના ભાવે અથવા લઘુતમ ભાવે બિડ્સ કર્યા હતા. કેટલાંક બેન્ડના સ્પેક્ટ્રમનું વેચાણ થયું ન હતું. કોરોનાની સ્થિતિ અને બીજા દબાણજનક પરિબળોની વચ્ચે હરાજી મારફત સરકારની આવક ધારણા કરતાં વધુ રહી હતી. અમે ખુશ છીએ કે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વાસ છે અને વધુ એરવેવ્સ માટે બિડ કરી છે.

2016 પછી ભારતમાં પ્રથમ વખત સ્પેક્ટ્રમની હરાજી થઈ હતી. તેનાથી સરકારની આવકને વેગ મળશે. અંબાણીના ગ્રૂપ પાસે જંગી રોકડ ભંડોળ છે, કારણ કે ગયા વર્ષે ફેસબુક ઇન્ક, ગૂગલ જેવા વૈશ્વિક રોકાણકારોએ 27 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. ટેલિકોમ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયોએ 5G ટેકનોલોજી સાથે ઉપયોગમાં લઈ શકાય તેવા સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. કંપનીએ તમામ 22 ટેલિકોમ ઝોનમાં સ્પેક્ટ્રમનો ઉમેરો કર્યો છે.