ભારતની સુપ્રીમ કોર્ટે દેશના રાજકિય પક્ષો, ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્યોની સરકારોના સત્તાધારી અને વિરોધ પક્ષો અને કોર્પોરેટ જગત વચ્ચેના લેતી-દેતીના સંબંધોમાં મુખ્ય બાબત એવા ઈલેકટોરલ બોન્ડ્સ ઉપરથી ગુપ્તતાનો પડદો હટાવી દેવાના કરેલા ફરમાન અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તથા એક અગ્રણી વકીલ દ્વારા તેના અમલ સામે અવરોધ ઉભા કરવાના પ્રયાસો નિષ્ફળ બન્યા પછી આખરે જે વિગતો જાહેર થઈ છે, તે એકથી વધુ રીતે ચોંકાવનારી છે.

એકંદરે જો કે, લોકોને રાજકિય પક્ષોને દાન આપનારાઓમાં મોટા માથાના નામ જાહેર થવાની જે ધારણા હતી તેમાં થોડી નિરાશા સાંપડી છે, પણ છતાં જાહેર થયેલી વિગતો આશ્ચર્યજનક તો છે જ.

જાહેર થયેલી વિગતોએ એક હદે એ હકિકત તો પ્રસ્થાપિત કરી છે કે વિવિધ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ કે હિસાબ-કિતાબમાં ગરબડ ગોટાળા માટે તપાસ હેઠળની અનેક કંપનીઓએ, વિવિધ મુદ્દે અવાનવાર વિવાદોમાં ચમકતી કંપનીઓએ પોતાનું સામ્રાજ્ય સાચવવા મુખ્યત્ત્વે સત્તાધારી પક્ષને ઈલેકટોરલ બોંડ્સના માધ્યમથી ગુપ્ત દાન કર્યું છે.
ગેરરીતિઓ છાવરવા કરાયેલા આ કહેવાતા ગુપ્ત દાનની વિગતો જાહેર થવાના પગલે કોર્પોરેટ જગત અને સરકાર વચ્ચે એકબીજાની હિમાયત કરવાના સંબંધો ફરીવાર ઉઘાડા પડ્યા છે.

તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરનારા ગ્રાહકોની સંપૂર્ણ વિગતો બહાર પાડી હતી. ઇલેક્ટોરલ બોન્ડ એક એવી વિવાદિત દાન યોજના હતી જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને પોતાના હરીફોને વામન બનાવી દેતું જંગી પ્રચાર અભિયાન તૈયાર કરવામાં મદદ કરી છે.

રાજકીય પક્ષોને અપાયેલા તમામ દાનમાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા અપાયેલું દાન અડધા કરતા વધારે રહ્યું હતું.
આ બોન્ડ મારફત રાજકીય પક્ષોને કુલ 1.5 અબજ ડૉલરનું દાન અપાયુ હતું અને તે પૈકીનું ઓછામાં ઓછું 94 મિલિયન ડૉલરનું દાન 17 કંપનીઓ દ્વારા અપાયુ હતું અને આ એવી કંપનીઓ હતી જેઓ પ્રત્યક્ષ રીતે અથવા તો પછી પોતાની પેટાકંપનીઓ મારફત કરચોરી, છેતરપિંડી અથવા તો અન્ય કોર્પોરેટ ગેરરીતિ બદલ તપાસ હેઠળ હતી.
ભારતની વિપક્ષી પાર્ટીના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે,‘ચૂંટણી બોન્ડ સ્કીમની વિભાવના પાપી, ડિઝાઈનમાં ખામી હતી અને તેનો આશય પારદર્શકતા ખતમ કરવાનો હતો.

વિપક્ષી પાર્ટીના સાંસદોએ દાવો કર્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડ્સની યાદી દર્શાવે છે કે કંપનીઓએ પોતાની સામેની ફોજદારી તપાસના પરિણામને પ્રભાવિત કરી શકાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારને જંગી રકમનું દાન કર્યું હતું.

આ યોજનાની સૌથી મોટી લાભાર્થી ભાજપ પાર્ટી છે અને દાનના મામલે તે અન્ય રાજકીય પક્ષો કરતા ઘણે આગળ છે. એપ્રિલ 2019 થી હજુ સુધીમાં વટાવવામાં આવેલા કુલ ઇલેક્ટોરલ બોન્ડ્સ પૈકી 730 મિલિયન ડૉલર મૂલ્યના, લગભગ 47 ટકા ઇલેક્ટોરલ બોન્ડ્સ એકલા ભાજપને મળ્યા છે.

ભાજપની મુખ્ય હરીફ પાર્ટી કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 171 મિલિયન ડૉલરનું દાન મળ્યુ હતું.
દાતાઓ તરીકે ખુલ્લી પડેલી કંપનીઓમાં ભારતની સૌથી મોટી મોટરબાઇક નિર્માતા અને વિક્રેતા કંપની હીરો મોટોકોર્પ સામેલ છે.

LEAVE A REPLY

two × one =