The Pakistani rupee fell below 300 for the first time against the dollar
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગંભીર આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ચલણમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમવાર ગુરુવારે ડોલર સામે રૂપિયો 300થી નીચી સપાટીએ ગબડ્યો હતો. ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ દેશના જુદા જુદા ભાગોમાં હિંસા ફાટી નીકળ્યાં પછીથી પાકિસ્તાની રૂપિયાને મોટો ફટકો પડ્યો છે.

કરન્સી ડીલરોના જણાવ્યા અનુસાર દિવસનું ટ્રેડિંગ સમાપ્ત થાય તે પહેલા એક તબક્કે યુએસ ડોલર ખુલ્લા બજારમાં 301 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો હતો, બીજી તરફ ઇન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 299ના સ્તરે પટકાયો હતો.

પાકિસ્તાન ફોરેક્સ એક્સચેન્જ એસોસિએશનના ઝફર બોસ્તાને જણાવ્યું હતું કે એક ડોલરનો ભાવ 300 રૂપિયાને પાર કરી ગયો હોય તેવું પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. આ બાબત દર્શાવે છે કે દેશભરમાં હિંસક દેખાવોથી અર્થતંત્રને નેગેટિવ અસર થઈ રહી છે.

બુધવારે પાકિસ્તાની રૂપિયા સામે ડોલરમાં આઠ રૂપિયા અથવા 1.8 ટકાનો વધારો થયો હતો. બુધવારે ડોલર સામે રૂપિયાનો ભાવ 292 હતો અને ગુરુવારે પણ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ ચાલુ રહ્યું હતું. ફાઇનાન્શિયલ એનાલિસ્ટ હમઝા મજીદે જણાવ્યું હતું કે વિદેશી હૂંડિયામણની અનામતોમાં ઘટાડો  વિનિમય દર માટે જોખમી બન્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) રાહત પેકેજનો 1.1 અબજ ડોલરનો હપતો છૂટો કરવામાં વિલંબ કરી રહ્યું છે. તેનાથી સ્થિતિ વધુ કથળી છે. પાકિસ્તાનની નાદારીની શક્યતામાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ ડિફોલ્ટની ચેતવણી આપી છે, કારણ કે પાકિસ્તાનને દેવાની ચુકવણી માટે આગામી નાણાકીય વર્ષમા 30 અબજ ડોલરની જરૂર છે.

LEAVE A REPLY

4 × four =