SS which sank with 280 Indians in World War II. Memorials will be made to Tilawa

મહાસાગરમાં સમાધિ લેનાર વિશાળકાય જહાંજ ટાઇટૅનિક વિશે તો આપણે ઘણી વાતો સાંભળી છે અને ફિલ્મ પણ જોઇ હશે. પરંતુ આજે અહિં એક એવા જહાંજ એસ.એસ. ટિલાવાની વાત કરવી છે જેને બીજા વિશ્વયુદ્ધ સમયે જાપાનીઝ લશ્કરી દળોએ અરબી સમુદ્રમાં ડુબાડી દીધું હતું. મુંબઈથી નીકળેલા અને ઇસ્ટ આફ્રિકાના મોમ્બાસા, માપૂટો અને ડરબન જઇ રહેલા એક બે નહિં પણ 280 કમનસીબ લોકોનાં ડૂબી જવાના કારણે મરણ થયાં હતાં.

આ મહિને એ જહાંજની જળસમાઘિને ૮૦ વર્ષ થવા જઈ રહ્યાં છે ત્યારે અસરગ્રસ્ત થયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવા અને મૃતકો તથા ભોગ બનેલા પરિવારજનોને આ ઇતિહાસ અંગે માહિતી આપવા મુંબઇ મેરિટાઇમ મ્યુઝિયમ સોસાયટીની મદદથી મુંબઈમાં બેલાર્ડ પિયર નજીકની ગ્રાન્ડ હોટેલમાં એક અનોખા સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત પર બ્રિટિશ શાસન હતું તે વખતે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં કામ-ધંધાની શોધમાં આફ્રિકાના જુદા-જુદા દેશોમાં જતા હતા. 1942માં વિશ્વયુદ્ધ વખતે તા. 20મી નવેમ્બર 1942ના રોજ બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન કંપનીનું એસ. એસ. ટિલાવા નામનું જહાજ મુંબઈ બંદરેથી મોમ્બાસા, માપૂટો અને ડરબન જવા માટે 732 પૅસેન્જર્સ, 222 ક્રૂ-મેમ્બર્સ, 60 ટન ચાંદીની પાટો સહિત 6,472 ટન કાર્ગો સાથે નીકળ્યું હતું. તે વખતે પૅસેન્જર્સમાંથી મોટા ભાગના ગુજરાતીઓ હતા.

બીજા વિશ્વયુદ્ધમાં તે વખતે જાપાન આક્રમક બન્યું હતું. તા. 23 નવેમ્બરે રાતે બે વાગ્યાના સુમારે અરબી સમુદ્રમાં મધદરિયે સેશેલ્સની નજીક જાપનીઝ ઇમ્પિરિયલ આર્મીએ અચાનક જ હુમલો કર્યો હતો. જેમાં જહાંજ મધદરિયે ડૂબી ગયું હતું. હુમલો થયા પછી બચવા માટે મુસાફરો અને ક્રુ મેમ્બર્સે તનતોડ પ્રયાસો કર્યા હતા. જહાંજ પરની લાઇફ-સેવિંગ બોટ્સમાં બેસીને ભાગી શકાય એટલા લોકો ભાગ્યા હતા. બાકીના બચેલા લોકોએ પોતાનો જીવ બચાવવા ખૂબ જ મથામણ કરી હતી. પરંતુ આ આપદામાં 280 લોકોના મરણ થયા હતા. રૉયલ નેવી ક્રૂઝર HMS બર્મિંગહામ અને એસ. એસ. કાર્થેજ નામના જહાજે કુલ 682 લોકોને બચાવ્યા હતા અને તે તમામને 27 નવેમ્બર, 1942ના રોજ મુંબઈના બેલાર્ડ પિયર પર ઉતારવામાં આવ્યા હતા.

આ જહાજ પર પોતાનો જીવ ગુમાવનાર સ્વ. નિછાભાઈ છીબાભાઈ સોલંકીના પૌત્ર અને રેડિયોની દુનિયામાં કાશ કુમારના નામે જાણીતા મુકેશભાઈ રણછોડભાઈ સોલંકી ટિલાવા જહાજના મૃતકોના લિસ્ટમાં પોતાના દાદાનું નામ જોઈ ભાવુક થઈ ગયા હતા.

મુકેશભાઇ કહે છે કે ‘’મારા પિતા રણછોડભાઈ સોલંકીને ૯ વર્ષની ઉંમરે ગુજરાતમાં મૂકીને મારા દાદા આફ્રિકા જવા નીકળેલા. 2007માં આ ટ્રેજેડી અંગેની જાણ મને થયા બાદ મેં તેના પર કામ કરવાનું શરૂ કરી તેમની સાથેના લોકોને શોધવાનું અને તે વિષે જાણવાનું શરૂ કર્યું હતું. મારા પિતા 2013માં ગુજરી ગયા ત્યારે તેમની અંતિમ ઇચ્છા હતી કે તેમના પિતાના દેહ વિશે તપાસ કરવી. તેમની અંતિમ ઇચ્છાને માન આપવા હું અને પુત્ર એમિલ સોલંકી કામે લાગ્યા છીએ.’’

ટૉરોન્ટો, કૅનેડામાં રહેતા અને મૂળ નવસારીના 35 વર્ષના એમિલ સોલંકી કહે છે કે, ‘‘આફ્રિકા, ગુજરાત, લંડન અને હવે અમારો પરિવાર કૅનેડા સુધી પહોંચ્યો છે. પણ અમારા માટે પરિવારના સદસ્યનો ઇતિહાસ જાણવો જરૂરી છે એટલો જ દુનિયા માટે ટિલાવા ટ્રૅજેડી વિશે જાણવું પણ જરૂરી છે. ભવિષ્યમાં આ ઘટના પર ડૉક્મેન્ટરી કે ફીચર ફિલ્મ બને એવો અમારો પ્રયાસ રહેશે. દુનિયાભરમાં લોકો સુધી પહોંચવા મેં પહેલાં વેબસાઇટ બનાવી હતી. હું અને મારા પિતા આ રિસર્ચ પાછળ લાગી ગયા હતા. એ દરમ્યાન 2017માં આર્ગેન્ટમ એક્સપ્લોરેશન લિમિટેડ, યુકે દ્વારા આ જહાજ કઈ જગ્યાએ ડૂબ્યું હતું એની ખબર પડી હતી. અરબ સમુદ્રમાં મધદરિયે 930 માઇલ નૉર્થ-ઈસ્ટ દિશામાં સેશેલ્સ નજીકના દરિયામાં 3500 મીટર ઊંડા દરિયામાં આ જહાજ ડૂબ્યું હતું. કોઇ બચી શકે કે તેમનો મૃતદેહ હાથ લાગે તેવી શક્યતા નહિંવત હતી. પરંતુ 6 મહિનાની શોધખોળ બાદ £32 મિલીયનની 2,364 જેટલા ચાંદીની પાટો સમુદ્રમાંથી મળી હતી.’’

વધુ માહિતી માટે જુઓ https://sstilawa.com/

LEAVE A REPLY