Once again unseasonal rain forecast in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના અમરેલી અને કચ્છ સહિત અનેક જિલ્લામાં રવિવાર, 19 માર્ચે સતત ત્રીજા દિવસે કરા સાથે તોફાની કમોમસી વરસાદ પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શનિવારે પાટણ, પાલનપુર, ગાંધીનગર, દાહોદ, વલસાડ, નવસારી, સુરત, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઈ હતી.

લગભગ એક અઠવાડિયાથી સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું આકાશ, જોરદાર પવન, કરા અને ધોધમાર વરસાદ હવામાનની સામાન્ય સ્થિતિ બની ગઈ હોય તેવું લાગે છે.

હવામાન વિભાગે 23 માર્ચ સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે કે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ સહિતના અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ અને સૌરાષ્ટ્ર-જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.

કચ્છમાં સતત ત્રીજા દિવસે કરા સાથે વરસાદ પડ્યો હતો. અંજાર તાલુકાના વરસામેડી અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે આકાશમાંથી કરા સાથે જોરદાર વરસાદ ત્રાટકયો હતો. ગાંધીધામમાં માવઠું થયું હતું. ભચાઉના કાંઠા વિસ્તારના જંગી અને આસપાસના વિસ્તારમાં એક કલાકથી વધુ સમય કરા સાથે વરસાદ પડતાં આશરે 1 ઇંચ વરસાદ થયો હતો.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મડામાં કરા સાથે વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક ભર્યો માહોલ સર્જાયો હતો. લોર, પીંછડી, ફાસરીયા, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, હેમાળ, ભાડા, વડલી સહિત ગામડામાં વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં વળ્યા હતા. રાજુલા શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સાવરકુંડલા તાલુકાના વિજપડી, છાપરી, ચીખલી, ખડસલી સહિત ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા શહેર તેમજ ગ્રામ્યનાં લુણકી, હાથીગઢ, ઇંગોરાળા, પીર ખીજડિયા, ભિલા, ચમારડી અને વલારડી સહિતના મોટભાગના ગામડાંઓમાં વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY

twenty − 14 =