પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ફુલ્ટન કાઉન્ટી શેરિફ ઓફિસે જારી કરેલો પોલીસ બુકિંગ મગશોટ Fulton County Sheriff's Office/Handout via REUTERS

જ્યોર્જિયાની 2020ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી નાંખવાના કેસમાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે એટલાન્ટાના ફુલટન કાઉન્ટી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પછી પોલીસ તેમની ધરપકડ કરીને જેલમાં લઈ ગઈ હતી. તેઓ જેલમાં 20 મિનિટ સુધી રહ્યાં હતા. આ પછી ટ્રમ્પને 200,000 ડોલરના બોન્ડ અને કેટલીક શરતો સાથે મુક્ત કરવામાં આવ્યાં હતા.

જેલમાં તેમને એક સામાન્ય કેદીની માફક ઉભા રખાઇને તેમનો ફોટો (મગશોટ) પણ પાડવામાં આવ્યો હતો.ટ્રમ્પ અમેરિકાના પ્રથમ એવા પ્રેસિડન્ટ બન્યાં હતા, કે જેમનો કેદી તરીકે ફોટો પાડવામાં આવ્યો હોય. ટ્રમ્પે જેલમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘મેં કંઈ ખોટું કર્યું નથી.’ ટ્રમ્પ પર જ્યોર્જિયાની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવા માટે છેતરપિંડી, કૌભાંડ અને બનાવટી કરવાનો આરોપ છે. આ કેસમાં તેમના સિવાય 18 વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.

ટ્રમ્પને 200,000 ડોલરના બોન્ડ અને અન્ય શરતો સાથે  મુક્ત કરાયા હતા. આ શરત મુજબ તેઓ સહ-પ્રતિવાદીઓ અથવા સાક્ષીઓને ડરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે નહીં.

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ મનાતા એવા અમેરિકામાં કોઈ પૂર્વ પ્રેસિડેન્ટનો જેલમાં ફોટો પાડવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ૨૦૨૦માં થયેલી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં જ્યોર્જિયાનું જે પરિણામ આવ્યું હતું તેમાં છેડછાડ કરવાની કોશીશ કરી હતી અને આ જ મામલા પર તેમની સામે ૧૩ અલગ-અલગ ચાર્જ લગાવવામાં આવ્યા છે. રિપબ્લિકન્સનો ગઢ ગણાતા જ્યોર્જિયામાં બાઈડન માત્ર ૦.૨૩ ટકાના માર્જિનથી આગળ રહ્યા હતા, અને તેઓ અમેરિકાના પ્રમુખ પણ બન્યા હતા પરંતુ ટ્રમ્પ પોતાની હાર પચાવી નહોતા શક્યા અને તેમણે કરેલા કેટલાક ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે જ વોશિંગ્ટન ડીસીમાં તોફાનો પણ થયા હતાં અને દેખાવકારો અમેરિકાની સંસદમાં પણ ઘૂસી ગયા હતા.

2૦૨૩ના વર્ષની આ ચોથી ઘટના છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. જ્યોર્જિયાના કેસમાં ટ્રમ્પે અમેરિકન ફુલટન કન્ટ્રી જેલમાં સરેન્ડર કર્યું હતું, બ્લેક સૂટ અને રેડ ટાઈમાં સજ્જ થઈને જેલમાં પહોંચેલા ટ્રમ્પની ત્યાં સત્તાવાર રીતે ધરપકડ કરાઈ હતી, અને એક કેદીની માફક તેમની તમામ વિગતો નોંધવામાં આવી હતી. અમેરિકન મિડીયાએ જેલના રેકોર્ડ્સને ટાંકીને જે અહેવાલો આપ્યા છે તે અનુસાર, ફુલટન જેલના હાઈપ્રોફાઈલ કેદી ડોનાલ્ડ ટ્રમ્પની ઉંચાઈ, વજન, તેમની આંખો અને વાળના રંગની પણ નોંધ કરવામાં આવી હતી, અને તેમને બુકિંગ નંબર કે પછી સાદી ભાષામાં કહીએ તો કેદી નંબર પણ આપવામાં આવ્યો હતો અને પછી તેમનો મગ શોટ મતલબ કે ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો.

જેલમાં હાજર થયેલા ડોનાલ્ડ ટ્રમ્પને બધી પ્રોસેસ પૂરી કર્યા બાદ બોન્ડ પર રિલીઝ કરાયા ત્યારબાદ તેમણે ન્યૂજર્સી પાછા જતા સમયે એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ એક ખંધા રાજકારણી છે, પોતાની સામે હાલમાં જે કેસો ચાલી રહ્યા છે તેનો તેઓ ૨૦૨૪માં થનારી ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માગે છે, અને ૭૭ વર્ષની ઉંમરે પણ તેઓ ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે, એટલું જ નહીં તેમના તરફદારોની સંખ્યા પણ અમેરિકામાં કંઈ નાનીસૂની નથી.

ટ્રમ્પ ફુલટન કંટ્રી જેલ પહોંચ્યા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં તેમના ટેકેદારો પણ ત્યાં પહોંચી ગયા હતા, જેમાંથી કેટલાક લોકોએ તો કેદી જેવા કપડાં પહેર્યા હતા અને તેઓ ગોડ બ્લેસ અમેરિકા એવા નારા પણ લગાવી રહ્યા હતા, તો બીજી તરફ જેલની બહાર એકઠા થયેલા લોકોમાં ટ્રમ્પના વિરોધીઓની પણ કોઈ કમી નહોતી.

 

LEAVE A REPLY