USA warship

અમેરિકન નેવનું જહાજ ચાર્લ્સ ડ્રુ અગ્રણી ઇન્ફ્રા કંપની લાર્સન એન્ડ ટુબ્રોના તમિલનાડુના ચેન્નાઇ ખાતેના કટ્ટુપલ્લી શિપયાર્ડમાં રિપેરિંગ માટે આવ્યું છે. અમેરિકન જહાજનું ભારતમાં સમારકામ થતું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ભારતના સંરક્ષણ મંત્રાલયે ‘મેક ઇન ઇન્ડિયા’ માટે આ બાબતને મોટું પ્રોત્સાહન ગણાવતા જણાવ્યું હતું કે તેને લીધે ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોમાં નવું પાસું ઉમેરાયું છે. ભારતમાં અમેરિકન નેવીના જહાજનું પહેલી વખત સમારકામ થશે. અમેરિકન નેવીએ કટ્ટુપલ્લી ખાતેના લાર્સન એન્ડ ટુબ્રોના શિપયાર્ડને જહાજના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપ્યો  છે. અમેરિકન નેવીનું જહાજ ‘ચાર્લ્સ ડ્રુ’ ૧૧ દિવસ સુધી કટ્ટુપલ્લી શિપયાર્ડમાં રહેશે.

મંત્રાલયે જણાવ્યું હતું કે,આ ઘટના વૈશ્વિક શિપ રિપેરિંગ બજારમાં ભારતીય શિપયાર્ડની ક્ષમતા દર્શાવે છે. વિવિધ શિપયાર્ડ વ્યાપક અને વાજબી ભાવે રિપેરિંગ અને મેન્ટેનન્સ સેવા પૂરી પાડે છે. જેમાં આધુનિક મેરીટાઇમ ટેક્નોલોજી પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરાય છે.

ડિફેન્સ સેક્રેટરી અજય કુમાર, નેવલ સ્ટાફના વાઇસ એડમિરલ એસ એન ઘોરમડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ શિપયાર્ડ પર પહોંચી અમેરિકન નેવીના જહાજન આવકાર્યું હતું. અમેરિકાના ચેન્નાઇ ખાતેના કોન્સ્યુલેટ જનરલ જુડિથ રવિન સહિતના અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર હતા.