Virpur: Abode of Sant Jalarambapa

સૌરાષ્ટ્રમાં રાજકોટ – જૂનાગઢ રોડ પર આવેલું વીરપુર જલારામ બાપાના ધામથી ખૂબ પ્રખ્યાત છે. એક સમયનું નાનકડું ગામ વીરપુર આજે મોટું તીર્થધામ ગણાય છે. જ્યાં ભક્ત જલારામ બાપા આજેય ભક્તોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે છે એમ મનાય છે.

જલારામ બાપા બાળપણથી જ ભક્તિ અને સેવા વૃત્તિ ધરાવનાર હતા. શરૂઆતમાં પિતાની દુકાને બેસતા, પણ થોડા વખતમાં જ એમનું ચિત્ત વેપાર – ધંધામાંથી ઉઠી ગયું અને એમણે જાત્રાએ નીકળી પડવાનો સંકલ્પ કર્યો. જાત્રા કરીને પાછા ફરતા હતા, ત્યારે તેમને ભોજા ભગત મળી ગયા અને ભોજા ભગતની કંઠી પહેરી તેમને ગુરુ બનાવ્યા. ગુરુમંત્ર લીધા બાદ તેમણે સંતોની સેવામાં જીવન સમર્પિત કરી દીધું.

એવામાં તેમને સદાવ્રત શરૂ કરવાનો વિચાર આવ્યો અને માત્ર વીસ વર્ષી ઉંમરે તેમણે સદાવ્રત શરૂ કર્યું. ગરીબોને ઇન્ન મળતાં તેમના આશીર્વાદથી જલારામ બાપાને કોઇ દિવ્ય શક્તિ મળવા લાગી અને પોતે જ બોલે તે સિદ્ધ થાય તેમ થવા લાગ્યું. તેમની પ્રવૃત્તિમાં તેમનાં પત્ની વીરબાઇનો પણ ઘણો મોટો સાથ મળવા લાગ્યો.

જલારામ બાપાએ 1820માં 17 જાન્યુઆરીએ સદાવ્રત શરૂ કર્યું. અનેક સંતો, ગરીબો, વૃદ્ધો સદાવ્રતનો લાભ લેતા હતા, એવામાં એક સંતે શ્રીકૃષ્ણની પ્રતિમા જલારામને આપીને કહ્યું; તારા આશ્રમમાંથી હનુમાનજી મૂર્તિ મળશે અને તેમના વચન પ્રમાણે હનુમાનજીની મૂર્તિ મળી.

જલારામ બાપા અને વીરબાઇ મૂર્તિની પૂજા કરવા લાગ્યા. વીરબાઇ સદાવ્રત માટે રોજના 3 હજાર રોટલા એકલા હાથે ઘડતા. સદાવ્રત ચલાવવામાં કસોટી પણ ઘણી થઇ હતી. એક વખત અન્ન ખૂટી જતાં વીરબાઇએ પોતાનાં ઘરેણાં વેચી દઇને અન્ન લાવી સદાવ્રત ચાલુ રાખ્યું હતું. ભગવાન સારા કાર્યોમાં ભક્તની કસોટી જરૂર કરે છે. એ જુએ છે કે, ભક્ત ચલિત થાય છે કે નહીં.

એક વાર એક સાધુ આવ્યા અને વીરબાઇની માગણી કરી, તો જલારામે પત્ની વીરબાઇને પણ દાનમાં આપી દીધાં. ભગવાન આ કસોટી કરતાં પોતે જ મુશ્કેલીમાં મૂકાઇ ગયા. હવે કરવું શું?

સાધુ વીરબાઇને લઇને ગામની બહાર નીકળ્યા અને કોઇ બહાનું બતાવી, વીરબાઇને પોતાની ઝોળી અને દંડો (ધોકો) સાચવવા માટે સોંપ્યો અને કહ્યું, “આવું છું.”

પછી તો એ સાધુ ગયા તે ગયા, બાઇમાં આકાશવાણી થઇ કે, “આ ઝોળી સાચવી રાખજો, તમારી બધી જરૂરિયાતો પૂર્ણ થશે.”

ગામ લોકોને આ વાકતની ખબર પડતાં વીરબાઇનું સૌમૈયું કાઢી ગામમાં ફેરવ્યાં. સમય જતાં વીરબાઇને માતા અને જલારામને બાપા તરીકે લોકો ઓળખવા લાગ્યા. પછી તો આ સદાવ્રતને કોઇ ખોટ પડી નથી.

જલારામબાપા અને વીરબાઇના અવસાન બાદ તેમના પુત્ર હરિરામએ આ સેવા આગળ ધપાવી. જલારામે જ્યાં સદાવ્રત શરૂ કરેલું ત્યાં જ જલારામબાપાનું મંદિર બનાવાયું અને આજેય ત્યાં કૃષ્ણની મૂર્તિ, તથા જમીનમાંથી નીકળેલી હનુમાનજીની મૂર્તિ અને સાધુવેશે આવેલા ભગવાને આપેલી ઝોળી અને ચમત્કારિક દંડ (ધોકો) દર્શનાર્થે મૂકેલાં છે.

કહેવાય છે કે, આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલો સીવીને રાખેલો છે. જેથી આ ધામમાં ક્યારેય અન્નની ખોટ ઊભી ન થાય અને અહીં અખૂટ અન્ન ભંડાર આવે છે. પપણ છેલ્લા કેટલાક સમયથી અહીં કોઇ પણ દાન લેવાનું બંધ કરાયું છે. આ એક એવું મંદિર છે, જ્યાં “દાનપેટી” નથી. અને દાન મૂકવાની પણ મનાઇ છે.

રોજ સેંકડોથી હજારો માણસ આ ધામમાં બે ટાઇમનું ભોજન લઇ શકે છે. પણ અહીં કોઇ ચીજની ખોટ સાલતી નથી. આ અનોખું ધામ જલારામબાપાના નામે જ ઓળખાય છે. જ્યાં આજેય તેમનો દિવ્ય આત્મા હાજર હોવાનું ભક્તો માને છે.

  • દુર્ગેશ ઉપાધ્યાય

LEAVE A REPLY

one × 2 =