વી.જે. ડેની 75મી વર્ષગાંઠ અને ભારતીય સ્વતંત્રતા દિવસની 73મી વર્ષગાંઠ પ્રસંગે વેલ્શના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના વિશાળ બલિદાનના સ્મરણાર્થે સામાજિક અંતરથી સમારોહમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું આયોજન ભારતીય માનદ કાઉન્સેલ રાજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં કાર્ડિફના લોર્ડ મેયર ડેનિયલ ડી’એથ ઉપરાંત બ્રિગેડિયર જોક ફ્રેઝર (રોયલ નેવી), બ્રિગેડિયર એંડ્ર્યુ ડવેસ (આર્મી) એર કમોડોર એડ્રિયન વિલિયમ્સ (આરએએફ), સહાયક ચીફ કોન્સ્ટેબલ એસીસી ડેવિડ થોર્ન અને ઉચ્ચ શેરીફ એન્ડ્ર્યુ હોવેલ સહિત સશસ્ત્ર દળો અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રસંગીક પ્રવચન કરાયા હતા. અને ભારતીય સ્વતંત્રતાની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.

વેલ્શના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડે કહ્યું હતું કે, “મહત્વપૂર્ણ છે કે આપણે ભારત સાથેના સકારાત્મક સંબંધોને માન્યતા આપીએ અને આ પ્રકારની ઘટનાઓ આપણને તેની સંપૂર્ણ તક પૂરી પાડે છે. રોગચાળાના આ મુશ્કેલ સમયમાં ભારતીય સમુદાયે જે રીતે એકબીજાને ટેકો આપ્યો છે તે અવિશ્વસનીય હાર્ટ-વોર્મિંગ અને આશ્વાસન આપનારો સાબિત થયો છે.”

ભારતીય કોન્સ્યુલ રાજ અગ્રવાલે તેમના ભાષણમાં કહ્યું હતું કે, “મહત્વપૂર્ણ છે કે આપણા બંને દેશો વચ્ચેના મહાન સંબંધો પર ચિંતન કરવા માટે સમય કાઢવો જોઈએ. આજે વીજે ડેની 75મી વર્ષગાંઠ છે અને આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણી સ્વતંત્રતા માટે લડતા લડતા બીજા વિશ્વયુધ્ધમાં ભારતીય સૈન્યના 87,000 સૈનિકોએ જીવ આપ્યો હતો. કોવિડ રોગચાળા દરમિયાન સંવેદનશીલ લોકો, વૃદ્ધો અને જરૂરિયાતમંદ લોકોની સહાય માટે સમુદાયના નેતાઓનો આભાર માનુ છું.’’