અમેરિકાના પ્રમુખની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નવા સર્વેના પરિણામો બિડેન અને કમલા હેરિસની તરફેણમાં આવતા જાય છે. તાજેતરમાં વોશિંગ્ટન પોસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ડેમોક્રેટિક ઉમેદવારબિડેન અને તેમના ઉપ પ્રમુખપદના ઉમેદવાર ભારતીય મૂળના કમલા હેરિસ વર્તમાન પ્રમુખ ટ્રમ્પ અને ઉપ પ્રમુખ માઇક પેન્સ કરતાં લગભગ 12 પોઇન્ટ આગળ હતા.

ડેમોક્રટ્સ પાર્ટીએ આજે તેના પ્રચારની શરૂઆત કરતાં આ પરિણામ તેમનો ઉત્સાહ વધારનાર સાબીત થશે. ટ્રમ્પ-પેન્સના 41 પોઇન્ટની સરખામણીમાં બિડેન-હેરિસના 53 પોઇન્ટ હતા. જો કે ગયા મહિને કરાયેલા સર્વેમાં તેમની વચ્ચેનો અંતર પંદર પોઇન્ટ હતો.

કોરોનાની મહામારી પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે ટ્રમ્પ-બિડેન વચ્ચે માત્ર બે પોઇન્ટનો જ અંતર હતો જે વધીને બે આંકમાં આવી ગયો હતો.ટ્રમ્પની દસ સમર્થકો પૈકી નવ ફરીથી ટ્રમ્પને મત આપવા ઉત્સુક જણાયા હતા, જ્યારે બિડેનના દસમાંથી આઠ સમર્થકો બિડેનને મત આપવાની રાહ જોતા હતા. 48 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ મત આપવા ખુબ ઉત્સાહી છે.

નોંધાયેલા કુલ 54 ટકા મતદારો એ કહ્યું હતું કે તેઓ પ્રમુખની ચૂંટણી પર ખુબ બારીક નજર રાખી રહ્યા છે. રિપબ્લીકન અને રિપબ્લીકન તરફ કુણું વલણ ધરાવતા મતદારોની સંખ્યા 58 ટકા હતા જે 2016ના સપ્ટેમ્બરમાં હતી. 53 ટકા ડેમોક્રેટ અને ડેમોક્રેટિક પાર્ટી તરફ કુણું વલણ ધરાવતા મતદારો પણ ચૂંટણી પર ચાંપતી નજર રાખે છે.

બિડેનના નાયબ એટલે કે ઉપ પ્રમુખપદના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના કમલા હેરિસની પસંદગીને 54 ટકા અમેરિકનોએ યોગ્ય માની હતી. જો કે કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. ડેમોક્રટ્સમાં 86 ટકા લોકોએ કમલા હેરિસની પસંદગી પર મહોર મારી હતી.તેમાં 64 ટકા લોકોએ તો ખુબ ઉમળકાથી આ પસંદગીને વધાવી હતી.

સર્વે અનુસાર, દસમાંથી આઠ આફ્રિકનોએ કમલાની પસંદગીને મહોર મારી હતી. હિસ્પેનિક સમુદાયના બે તૃતિયાંશ લોકોએ પણ બિનેડની પસંદગીને યોગ્ય માની હતી. જો કે 71 ટકા પુખ્ત લોકોએ કહ્યું હતું કે હેરિસની પસંદગીથી તેઓ કેવી રીતે મત આપે છે તેમાં કંઇ ફેર પડવાનો નથી.

શું પેન્સ અને કમલા હેરિસ પ્રમુખપદને લાયક છે? એવા એક સવાલના જવાબમાં 54 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ બંને વ્હાઇટ હાઉસમાં પદ સંભાળવાને લાયક છે. અત્યાર સુધી માત્ર 43 ટકા લોકોએ જ ટ્રમ્પને પ્રમુખપદે જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે 55 ટકા લોકોએ ટ્રમ્પને ફરી પ્રમુખ તરીકે નહીં જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.