(ANI Photo)
ટીવી સીરિયલોના દર્શકોમાં મૂળ ગુજરાતની અભિનેત્રી ઉર્વશી ધોળકિયાનું નામ ખૂબ જ જાણીતું છે. આજે 15 વર્ષે પણ દર્શકો તેની સીરિયલમાં ‘કસોટી ઝિંદગી કી’માં કમોલિકાના પાત્રની વિલનની ભૂમિકાને યાદ કરે છે. ઉર્વશીએ તાજેતરમાં
એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “બધા મને આજે પણ કોમોલિકા જ કહે છે. કોઈ એક પાત્રને સફળતા મળી તો એવું વિચારવું ખોટું જ છે કે હું બીજું કશું જ કરી શકીશ નહીં. જો એ લોકો મારા માટે બીજો કોઈ રોલ વિચારી જ ન શકતા હોય તો એ પ્રોડ્યુસરની સર્જનાત્મકતા અને ક્રિએટિવ ડાયરેક્ટર્સ ક્યાં છે?  આ પરંપરાગત માનસિકતાને કારણે અત્યાર સુધીમાં તેણે જે પણ કંઈ કર્યું છે તેની ખાસ નોંધ લેવાઈ નથી.”
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉર્વશીએ ‘ચંદ્રકાંતા’, ‘ઇશ્ક મેં મરજાવાં’, ‘તું આશિકી’, ‘નાગિન 6’ જેવી સિરીયલમાં કામ તો કર્યું પણ દર્શકોની હંમેશા એક ફરિયાદ રહી છે કે તેમને સ્ક્રીન પર તે વધુ લાંબો સમય જોવા મળતી નથી. “હું આવું છું અને જાઉં છું કારણ કે મને બીજું કશુંક મળી જાય છે, તેમાં મને વધુ રસ પડે છે, પણ મને એ જ મળે છે. પરંતુ હું એનું એ કંટાળાજનક કામ ન કરી શકું. મને એક જ પ્રકારની ઘણી ભૂમિકા મળી છે. આથી તેણે ‘કસોટી ઝિંદગી કી’ પછી તરત ‘કોમેડી સર્કસ’ કરવાનો નિર્ણય લીધો હતો. “હું આભારી છું કે આજે આ સમયે અને આ ઉંમર પછી પણ લોકો કમોલિકાના મીમ શેર કરે છે અને રીલ્સ બનાવે છે, તે મને જીવંત રાખે છે. હું એ દરેકની આભારી છું. પરંતુ, સાથે સાથે હું ઇચ્છું છું કે મેં બીજા રોલ કર્યાં છે, તેના માટે લોકો મને ઓળખે.”
અત્યારે ઉર્વશી ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં એક વકીલની ભૂમિકા ભજવે છે, અને તેને આશા છે કે લોકો તેના આ નવા કામને સ્વીકારશે. “હું ખુશ અને આભારી છું કે આ શોના મેકર્સે કમસે કમ કોઈ બીજા રોલ માટે મારા વિશે વિચાર્યું અને મને આ બિલકુલ હકારાત્મક રોલ કરવાની તક મળી. મને ખબર છે કે કોઈ ચમત્કાર થતાં નથી, પરંતુ ક્યાંકથી તો શરૂઆત થવી જોઈએને. આજે, જ્યારે લોકો મને દેવી સિંઘ શેખાવત તરીકે ઓળખે છે ત્યારે મને લાગે છે કે હવે શરૂઆત થઈ ગઈ છે. તો હા, મને આવા બીજા રોલ કરવા ગમશે.”
ડિજિટલ પ્લેટફોર્મમાં કામ અંગે  ઉર્વશીએ જણાવ્યું હતું કે, “તેમાં ચોક્કસ ખૂબ તકો છે, પરંતુ ગત વર્ષે મને થોડું અપમાનિત અનુભવાયું જ્યારે મને અમુક લોકોએ કહ્યું કે મારો ટીવી પરનો બહુ વધારે જાણીતો ચહેરો છે. હું દુનિયાને પૂછવા ઇચ્છું છું કે, “આ પ્લેટફોર્મ પર એવો કયો શો છે જેમાં ટીવીનો ચહેરો ન દેખાયો હોય? તો તમે મને જ કેમ આવું કહો છો? ત્યાં બધા જ છે તો મને કેમ એવું જતાવાય છે કે હું કંઈ અલગ છું? તે સિવાય મને ઓટીટી પર એવા કોઈ ખાસ રોલ મળતા પણ નથી, કારણ કે મેકર્સ અલગ રીતે જોતાં જ નથી.”

LEAVE A REPLY