રાજકોટમાં સત્તાવાળાએ 38 રીઢા ગુનેગારોની 60થી વધુ ગેરકાયદે મિલકતો પર સોમવારે બુલડોઝર ફેરવી દીધું હતું. આ કાર્યવાહી અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહપ્રધાન અને ડીજીપીના આદેશ પર 38 રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી.
આ પછી, તેમના ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર વીજ જોડાણો ઓળખવામાં આવ્યા અને બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. લૂંટ અને મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી, દારુબંધી આરોપોનો સામનો કરી રહેલા આ ગુનેગારોએ જગ્યાઓ પર કબજો જમાવ્યો હતો.
રાજકોટ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોના 60થી ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા છે. રૈયાધાર વિસ્તાર અને નવા રિંગ રોડ પર આવેલા પરશુરામ ટેકરી પાસે આવેલા 38 જેટલા આરોપીઓના દબાણો પર રાજકોટ મનપા અને પીજીવીસીએલની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતાં.
