અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનારા અથવા વિઝા નિયમોનો ભંગ કરનાર ભારતીય સહિત વિદેશીઓ વિરુદ્ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કાર્યવાહી કડક બની રહી છે. આ અંગે શુક્રવારે ભારત સરકારે સંસદમાં માહિતી આપી હતી કે, અમેરિકાથી 2025માં 21 નવેમ્બર સુધીમાં 3155થી વધુ ભારતીય નાગરિકોને ડીપોર્ટ કરવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ડીપોર્ટેશનના તમામ કેસ ભારતીય નાગરિકતાની ખાતરી થયા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીયોને ડીપોર્ટ કરવાની સંખ્યામાં ભારે વધારો થયો છે. 2024માં 1368 લોકો અને 2023માં 617 ભારતીયોને ડીપોર્ટ કરવામાં આવ્યા હતા, જે અગાઉનાં વર્ષોની સરખામણીમાં લગભગ ત્રણ ગણો વધારો દર્શાવે છે. કીર્તિવર્ધન સિંહે વધુ જણાવ્યું હતું કે, અમેરિકન અધિકારીઓ સામાન્ય રીતે ગેરકાયદે પ્રવેશ, વિઝા કરતાં વધુ રોકાણ, ઓછા ડોક્યુમેન્ટ્સ, અથવા ક્રિમિનલ ગુનામાં દોષિત જાહેર થયેલા સંજોગોમાં લોકોનો દેશનિકાલ કરે છે. આવી કાર્યવાહી ભારત સરકાર અમેરિકી તંત્ર સાથે મળીને કામ કરે છે. એક અન્ય એક પ્રશ્નના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર, 2025ની સ્થિતિએ કુવૈતની જેલોમાં અત્યારે 316 ભારતીય નાગરિકો કેદ છે.













