
ભારતીય એરલાઇન કંપની-ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોટાપાયે રદ્ થવાનો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના વકીલ નરેન્દ્ર મિશ્રાએ મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખીને આ પરિસ્થિતિમાં તેમના દ્વારા સંજ્ઞાન લેવા અને કેસમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. વકીલ મિશ્રાએ પત્ર દ્વારા દાખલ કરેલી પીટિશનમાં જણાવ્યું હતું કે, ઇન્ડિગોએ છેલ્લા કેટલાક દિવસોમાં 2000થી વધુ ફ્લાઇટ રદ્દ કરી અને ગંભીર વિલંબ સર્જ્યો, જેથી લાખો મુસાફરો દેશભરના એરપોર્ટ્સ પર ફસાયા છે અને એક પ્રકારનું માનવીય સંકટ ઊભું થયું છે.
તેમણે આ સંકટને મુસાફરોના મૌલિક અધિકારો, ખાસ તો કલમ 21 (જીવન અને માન-મર્યાદાના અધિકાર)નું ગંભીર ઉલ્લંઘન કહી સુપ્રીમ કોર્ટ પાસે તરત કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે જમાવ્યું હતું કે, ઇન્ડિગોની ફ્લાઇટ્સ સતત ચોથા દિવસે (5 ડિસેમ્બરે) પણ અસરગ્રસ્ત રહી છે. છ મોટાં મેટ્રો શહેરોમાં એરલાઈનનો ઓન-ટાઈમ પરફોર્મન્સ 8.5 ટકા સુધી ઘટી ગયું હતું. વૃદ્ધો, બાળકો, દિવ્યાંગો અને બીમારીથી પીડાતા લોકો સહિત હજ્જારો પ્રવાસીઓ એરપોર્ટ્સ પર કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા.
એરપોર્ટ્સ પર ભોજન, આરામ, કપડાં, દવાઓ અને રહેવાની મૂળભૂત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નહોતી, જ્યારે એરલાઈન પોતે માને છે કે તેના પાસે પૂરતી વ્યવસ્થા નહોતી. ઘણા કેસોમાં તો તાત્કાલિક મેડિકલ જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવી નહોતી. પીટિશનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડિગોએ નવી ફ્લાઇટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) ફેઝ-2 અમલમાં ગંભીર ભૂલ કરી. આ નિયમ પાઇલટ્સની સુરક્ષા અને આરામને ધ્યાનમાં રાખી લાગુ થયો હતો, પરંતુ એરલાઈનના ખોટા આયોજન અને રોસ્ટરિંગને કારણે સંપૂર્ણ સંચાલન ખોરવાયું હતું અને મુસાફરોને અન્યાય થયો હતો.












