અમેરિકામાં સાયબર સુરક્ષા એજન્સીના ભારતીય મૂળના હંગામી ઉચ્ચ અધિકારીએ ચેટજીપીટી પર ગુપ્ત ફાઇલ્સ અપલોડ કરી હતી. તેમને સરકારની ગુપ્ત બાબતોની સુરક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમને ગત ઉનાળામાં એજન્સીની જવાબદારી સોંપાયા પછી તેમણે સંવેદનશીલ કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ્સ ચેટજીપીટીની જાહેર બાબતો પર અપલોડ કર્યા હતા. પોલિટિકોના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, સાયબરસીક્યુરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીક્યુરિટી એજન્સી (CISA)ના એક્ટિંગ ડાયરેક્ટર મધુ ગોટ્ટુમુક્કાલાએ કરેલી કામગીરીના કારણે ફેડરલ નેટવર્ક્સમાંથી સરકારી માહિતીની ચોરી જેવી બાબતો અંગે અનેક સીક્યુરિટી ચેતવણીઓ આપમેળે મળવાનું શરૂ થઇ ગયું હતું. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ભારતીય મૂળના આ અધિકારી ગોટ્ટુમુક્કાલાની ભૂલ વિશેષમાં તો નોંધપાત્ર હતી, કારણ કે તેમણે ગત વર્ષે મે મહિનામાં એજન્સીની જવાબદારી લીધા પછી AIના જાણીતા સંશાધનનો ઉપયોગ કરવા માટે CISAના ચીફ ઇન્ફર્મેશન ઓફિસરની ઓફિસમાંથી ખાસ મંજૂરી લીધી હોવાનું કહેવાય છે.
મધુ ગોટ્ટુમુક્કાલા દ્વારા ચેટજીપીટીની જાહેર બાબતોમાં અપલોડ કરાયેલી તમામ માહિતી AI ટૂલના મુખ્ય સ્થાન OpenAIને પહોંચાડવામાં આવે છે, એટલે કે તેનો ઉપયોગ એપ્લિકેશનના અન્ય ઉપયોગકર્તાઓને ઝડપથી જવાબ આપવા માટે મદદરૂપ થઈ શકે છે. OpenAIની એપના કુલ 700 મિલિયનથી વધુ સક્રિય ઉપયોગકર્તા છે. રીપોર્ટમાં વધુમાં જણાવ્યા પ્રમાણે, એ વખતે હોમલેન્ડ સીક્યુરિટી ડીપાર્ટમેન્ટના અન્ય કર્મચારીઓ પર ચેટજીપીટીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. પરંતુ ગોટ્ટુમુક્કાલાએ CISAને તેમને ચેટજીપીટીની સુવિધા આપવા માટે દબાણ કર્યું હતું અને પછી તેણે તેનો દુરુપયોગ કર્યો હતો.












