રેલ

ભારતની લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને ડીઝલથી સંચાલિત ડ્યુઅલ ફ્યુઅલની સુવિધા ધરાવતી પ્રથમ રેલવેનું તાજેતરમાં અમદાવાદ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે તાજેતરમાં સાબરમતી ખાતે આ DEMU ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું કે ભારતીય રેલવેએ સ્વચ્છ, પર્યાવરણ–અનુકૂળ તથા કિફાયતી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ભારતીય રેલવેમાં પ્રથમવાર ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU)ની ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આધારિત ડ્યુઅલ ફ્યુઅલ સીસ્ટમ સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે.
આ યોજનાના અંતર્ગત 1400 એચપીની બે DEMU DPCને ડીઝલ+એલએનજી ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં પરિવર્તિત કરવામાં આવી છે, જેમાં લગભગ 40 ટકા સુધી ડીઝલના સ્થાને એલએનજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બંને પરિવર્તિત DPC પર 2000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં કોઈપણ સમસ્યા વિના નિયમિત યાત્રી સેવામાં સંચાલિત થઈ રહી છે.
ડીઝલના સ્થાને આંશિક રીતે એલએનજી ના ઉપયોગથી સંચાલન ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે. પરીક્ષણ આંકડાઓના આધારે એક DPCમાંથી લગભગ ₹11.9 લાખ પ્રતિ વર્ષ બચત તથા અને એક 8-કોચ DEMU રેક (2 DPC)માંથી લગભગ ₹23.9 લાખ પ્રતિ વર્ષ બચત શક્ય છે. ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન ઈંધણની ઉપલબ્ધતા મુજબ ડીઝલ અને એલએનજી વચ્ચે સરળતાથી તબદિલ કરી શકે છે, જેના કારણે સેવામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ થતો નથી અને પ્રદૂષણમાં ઘટાડો થાય છે.
સ્વીકૃત ડિઝાઇન અનુસાર DPCમાં અંદાજે 2200 લીટર ક્ષમતા (લગભગ 950–1000 કિલોગ્રામ ઉપયોગી એલએનજી) ધરાવતી એલએનજી ટેંક સ્થાપિત કરવામાં આવી છે. એક વખત સંપૂર્ણ ભરાવાથી 222 કિલોમીટરના દૈનિક સંચાલન માટે પર્યાપ્ત એલએનજી ઉપલબ્ધ થાય છે, જેના કારણે વારંવાર ઈંધણ ભરવાની જરૂરિયાત ઓછી રહે છે.

LEAVE A REPLY