ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ થઈ હતી અને તાજેતરમાં 27 એપ્રિલ, 2025ના રોજ પૂર્ણ થઈ છે. આ વર્ષે 9 લાખ 9 હજાર 900 જેટલા શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની આ પરિક્રમા કરી હતી. આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. વર્ષ 2024માં માત્ર 2.50 લાખ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમા કરી હતી.

રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના 15 કિલોમીટરના પરિક્રમા માર્ગ તેમજ ચારેય ઘાટો પર જે વ્યવસ્થાઓ ઊભી કરી, તેના કારણે શ્રદ્ધાળુઓ માટે કઠોર ગણાતી આ પરિક્રમા સુગમ બની રહી. પરિક્રમા શરૂ થતાં પહેલા જ સરકાર, યાત્રાધામ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર રોડનું સમારકામ, પ્રોટેક્શન વૉલનું કામ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

પરિક્માર્થીઓએ 70 જેટલી બોટ દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના જવાનોનો મોટો કાફલો પરિક્રમા દરમિયાન સતત તહેનાત રહ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ પણ શ્રદ્ધાળુઓ માટે અનેક રીતે સહાયક બન્યા. આ સાથે જ, રેંગણ ગામ તથા ભાદરવા ગામથી યાત્રિકોના આવાગમન માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)ની 10 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્કિંગ માટે રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ પાર્કિંગ સ્થળો તૈયાર કરાયા હતા, તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને; તે માટે એસડીઆરએફની 6 ટીમો પણ હાજર હતી.

LEAVE A REPLY