કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ત્રાસવાદી હુમલા પછી ભારત સરકાર પાકિસ્તાન સામે જુદા જુદા કડક કાર્યવાહી કરી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 2 મે, 2025ના રોજ એક જાહેરનામા દ્વારા પાકિસ્તાનથી થતી તમામ પ્રકારની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, અને તેનો વિદેશ વ્યાપાર નીતિ (FTP) 2023માં નવી જોગવાઈ તરીકે સમાવેશ કરવામાં આવ્યો આવ્યો છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં ઉત્પન્ન થતા કે ત્યાંથી નિકાસ થતા તમામ સામાનની આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, અને આ પ્રતિબંધ નવો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે. આ નિયમમાં કોઈ અપવાદ માટે ભારત સરકારની સ્પષ્ટ મંજૂરી જરૂરી રહેશે.
અગાઉ પણ ભારતે પાકિસ્તાન સામે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાનો અને હવાઈ માર્ગ પર પ્રતિબંધ મૂકવા જેવાં પગલાં લીધાં છે. આ આર્થિક પ્રતિબંધથી બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો થવાની શક્યતા છે.
