
આ ફિલ્મ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયાના ત્રીજા દિવસે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2003માં થયેલા ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ગાઝી બાબાને ખતમ કરવાના ઓપરેશન પર આધારિત છે, જેમાં ઇમરાન હાશમી બીએસફ કમાન્ડન્ટ નરેન્દ્રનાથ ધર દુબેની ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન તેજસપ્રભા વિજય દેઓસ્કરે કર્યું છે અને તેનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કર્યું છે. આ ફિલ્મમાં એક્શન, ડ્રામા અને દેશભક્તિ ભરપૂર છે. ફિલ્મની વાર્તા કાશ્મીરની પૃષ્ઠભૂમિ અને બીએસએફ અધિકારી નરેન્દ્રનાથ ધર દુબેના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું એક વિશેષ સ્ક્રીનિંગ શ્રીનગરમાં બીએસએફના જવાનો માટે રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ છેલ્લા 38 વર્ષમાં શ્રીનગરમાં પ્રીમિયર થનારી પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં સાઈ તામ્હણકર ઇમરાન હાશ્મીની પત્નીના રોલમાં છે અને આ ઉપરાંત ઝોયા હુસૈન અને રજત કપૂરે પણ મહત્વપૂર્ણ રોલ ભજવ્યો છે.
નરેન્દ્રનાથ ધર દુબેનું શ્રીનગરમાં પોસ્ટિંગ થયું છે. અહીં હુસૈન નામના એક યુવાનને તે પોતાના ખબરી તરીકે ટ્રેઈન કરે છે. આ 2001ની વાત છે જ્યારે જૈશ-એ-મોહંમદનો આતંકી ગાઝી બાબાએ કોહરામ મચાવ્યો હતો. તેના એક હુમલામાં 70 જેટલા જવાનો શહીદ થયા હતા. આ ગાઝીબાબાએ કાશમીરમાં એક હુમલો કર્યો અને તેમાં હુસૈન પણ માર્યો ગયો હતો. આથી નરેન્દ્રને તે વાત ભારે ખૂંચી હતી. ‘ગ્રાઉન્ડ ઝીરો’માં ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક મહત્વપૂર્ણ સાહસિક મિશનને દર્શાવવામાં આવ્યું છે. આ મિશનમાં ખતરનાક જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદી ગાઝી બાબાને ઠાર કરવામાં આવ્યો હતો, જે 2001ના ભારતીય સંસદ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. ગાઝી બાબા, જેનું સાચું નામ રાણા તાહિર નદીમ હતું, તે જૈશ-એ-મોહમ્મદનો એક ખતરનાક કમાન્ડર હતો. તે અક્ષરધામ સહિત અનેક ત્રાસવાદી હુમલાઓમાં સામેલ હતો. પાકિસ્તાનમાં છુપાઈને તે આતંક ફેલાવતો હતો અને ભારતીય સુરક્ષા દળો માટે મોટો ખતરો હતો.
2003માં BSF અધિકારી નરેન્દ્રનાથ દુબેના નેતૃત્વમાં એક ગુપ્તચર કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક ત્રાસવાદીની પૂછપરછમાંથી મળેલા સંકેતોના આધારે શ્રીનગરના નૂરબાગમાં ગાઝી બાબાના ઠેકાણા પર દરોડો પાડવામાં આવ્યો હતો. સવારે 4:10 વાગ્યે શરૂ થયેલા આ ઓપરેશનમાં ગાઝી બાબા જ્યાં છુપાયેલા હતા તે ગુપ્ત રૂમનો ખુલાસો થયો. ભારે ગોળીબાર અને વિસ્ફોટો વચ્ચે નરેન્દ્ર અને તેમની ટીમે ગાઝી બાબાને ઠાર કર્યો હતો, જોકે આ દરમિયાન એક સૈનિક શહીદ થયો અને BSF અધિકારી નરેન્દ્ર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ ફિલ્મમાં BSF સૈનિકોની બહાદુરી અને ત્રાસવાદ સામેની તેમની લડાઈ દર્શાવવામાં આવી છે. ઉપરાંત તેમાં એવું બતાવ્યું છે કે ત્રાસવાદ સામેની લડાઈ હજુ પૂર્ણ થઈ નથી.
