ભારતે ચેતવણી આપી હતી કે જો તે કોઇ પણ દુઃસાહસ કરશે તો તેને દર્દનાક પરિણામો ભોગવવા પડશે. ભારતે યુદ્ધની ધમકીઓ અને દ્વેષપૂર્ણ નિવેદનોથી દૂર રહેવાની પણ કડક સલાહ આપી હતી.
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની પરમાણુ ધમકી તેમજ વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ સહિત અનેક પાકિસ્તાની નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધના ઉશ્કેરણીજનકો નિવેદનો પછી ભારતે આ કડક જવાબ આપ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની નેતાઓની ભારત વિરુદ્ધ સતત અવિચારી, યુદ્ધ ફેલાવતી અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ અંગેના અહેવાલોની અમે નોંધ લીધી છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપવા તે પાકિસ્તાની નેતાઓની જાણીતી ચાલ છે. પાકિસ્તાનના નેતાઓ તેના વાણી-વર્તનને કાબુમાં રાખવા જોઇએ, કારણ કે કોઈપણ દુ:સાહસના દુઃખદાયક પરિણામો આવશે. ઓપરેશન સિંદૂરમાં ભારતે આનું ઉદાહરણ આપ્યું છે.
ગયા અઠવાડિયે ફ્લોરિડાના ટામ્પામાં પાકિસ્તાની ડાયસ્પોરાને સંબોધિત કરતા મુનીરે ધમકી આપી હતી કે જો ભારત સાથે ભવિષ્યમાં યુદ્ધ થાય તો પાકિસ્તાન પોતાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીને ભારત અને અડધી દુનિયાને બરબાદ કરવા કરી શકે છે. ગયા સપ્તાહે શરીફે પણ ભારત સરહદ પારની નદીઓના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે તો ભારતને પાઠ ભણાવવાની ધમકી આપી હતી.
જયસ્વાલે હેગની કાયમી આર્બિટ્રેશન કોર્ટે બંને દેશો વચ્ચે સરહદ પારની નદીઓ અંગે આપેલા ચુકાદાને પણ ફગાવી દીધો હતો. આ ચુકાદામાં જણાવાયું હતું કે ભારતે સિંધુ જળ સંધિ હેઠળ પશ્ચિમી નદીઓના પાણીના પ્રવાહને પાકિસ્તાનના અનિયંત્રિત ઉપયોગ માટે મંજૂરી આપવી જોઈએ. જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે ક્યારેય કથિત આર્બિટ્રેશન કોર્ટેની કાયદેસરતા અથવા યોગ્યતા સ્વીકારી નથી. તેથી તેના ચુકાદાઓ તેના અધિકારક્ષેત્ર બહારના છે. આ ચુકાદો ભારતના પાણીના ઉપયોગના અધિકારો પર કોઈ અસર કરતા નથી.
