નવી દિલ્હીમાં ગુરુવાર, છ જાન્યુઆરીએ કોવિડ કેર સેન્ટર દ્વારા કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી ચાલુ કરવામાં આવી હતી. (PTI Photo/Atul Yadav)

ભારતમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસ અગાઉના દિવસની સરખામણીમાં 56 ટકા વધીને 90,000ના આંકને વટાવી ગયા હતા. ગુરુવારે દેશભરમાં 90,928 નવા કેસ નોંધાયા હતા, જે બુધવાર કરતાં 56.5 ટકા વધુ છે. ગઈકાલે 58,097 નવા કોરોના કેસના રિપોર્ટ આવ્યા હતા.

દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ વધીને 2,630 થયા હતા. જો કે, અત્યાર સુધીમાં 995 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનું આ નવું સ્વરૂપ 26 રાજ્યોમાં ફેલાયું છે. દિલ્હીમાં 465 અને મહારાષ્ટ્રમાં 797 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરુવારના ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 325 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 4,82,876 પર પહોંચી ગઈ હતી.

દેશમાં કોરોનાના નવા કેસોની સરખામણીમાં સાજા થતા દર્દીઓની ઓછી સંખ્યાને કારણે સક્રિય કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસોની સંખ્યા વધીને 2,85,401 થઈ ગઈ છે એટલે કે 2,85,401 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19,206 દર્દીઓ સંક્રમણથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,43,41,009 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે.

કોરોના રિકવરી રેટ 97.81 ટકા થઈ ગયો છે. જ્યારે સંક્રમણ દરની વાત કરીએ તો, દૈનિક સંક્રમણ દર વધીને 6.43 ટકા થયો છે જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 3.47 ટકા છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,48,67,80,227 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 91,25,099 ડોઝ આપવામાં આવ્યા છે.