આ વર્ષે વર્ષના સૌથી મોંઘા શહેરોની યાદીમાં સિંગાપોર અને ઝ્યુરિક પ્રથમ ક્રમે રહ્યાં છે. આ પછી જીનીવા, ન્યુ યોર્ક અને હોંગકોંગનો ક્રમ આવે છે, એમ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)એ ગુરુવારે જણાવ્યું હતું. સિંગાપોરે પાછલા અગિયાર વર્ષમાં નવમી વખત રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, કારણ કે વિવિધ શ્રેણીઓમાં કિંમતના ઊંચા સ્તરો છે.
રીપોર્ટમાં જણાવાયું હતું કે વૈશ્વિક કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટી હજી સમાપ્ત થઈ નથી. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી આશરે 200 ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં સ્થાનિક ચલણની દ્રષ્ટિએ વાર્ષિક 7.4% નો વધારો થયો છે, જે ગયા વર્ષના રેકોર્ડ 8.1% ના વધારાથી ઓછો છે, પરંતુ હજુ પણ “2017-2021 ના વલણ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે
ઝ્યુરિક ગયા વર્ષે છઠ્ઠા નંબર પર હતું. મોંઘા ખોરાક, ગ્રોસરી અને એન્ટરટેનમેન્ટના ઊંચા ખર્ચે ઝ્યુરિક યાદીમાં ટોચ પર આવી ગયું હતું. સિંગાપોર અને ઝ્યુરિચ એકસાથે ન્યૂયોર્કને પછાડીને વિશ્વના સૌથી મોંઘા શહેર બની ગયા છે.
સૌથી સસ્તા શહેરોની યાદીમાં સીરિયાની રાજધાની દમાસ્કસ નંબર વન પર યથાવત છે. મેક્સિકોના સેન્ટિયાગો ડી ક્વેરેટારો અને ઓગાસકેલિએન્ટિસે ડોલર સામે પેસો મજબૂત થવાથી આ યાદીમાં સૌથી વધુ પ્રગતિ કરી છે. જયારે જાપાની ચલણ યેનની નબળાઈને કારણે ટોકિયો 23 સ્થાન નીચે ઉતરીને 60માં સ્થાને આવ્યું છે. ઓસાકા 27 સ્થાન સરકીને 70માં સ્થાને આવી ગયું છે. સર્વેમાં 173 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
હાલ સિંગાપોરમાં ઘર, કાર રાખવાનો ખર્ચ, ગ્રોસરી વગેરે જેવી વસ્તુઓના ભાવ ન્યૂયોર્ક કરતા પણ વધુ છે. ગયા વર્ષે સૌથી મોંઘા શહેરમાં ન્યૂયોર્ક પ્રથમ ક્રમે હતુ. હાલ તે ત્રીજા ક્રમે છે. તેની સાથે ત્રીજા સ્થાને જીનીવા અને હોંગકોંગ પણ છે.