ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, દેશભરમાંથી ચોમાસુ 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ વિદાય લેશે, તેની વિદાયની શરૂઆત 15 સપ્ટેમ્બર આસપાસ શરૂ થશે. સામાન્ય રીતે દેશમાં સૌથી પહેલા કેરળમાં પહેલી જૂને ચોમાસાનું આગમન થાય છે અને 8 જુલાઈ સુધી દેશભરમાં વરસાદ શરૂ થાય છે. ચોમાસાના વિદાયની શરૂઆત ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી 17 સપ્ટેમ્બરથી થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસુ સંપૂર્ણ વિદાય લે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 15 સપ્ટેમ્બરે વિદાય લેશે. હવામાન વિભાગની યાદી મુજબ, આ વર્ષે ચોમાસાએ 9 દિવસ વહેલું એટલે કે 26 જૂને આગમન કર્યું હતું. 24 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું. છેલ્લે 2009માં ચોમાસાનું આગમન 23 મેના રોજ થયુ હતું. ત્યારબાદ સૌથી વહેલું આગમન આ વર્ષે થયું છે. આ વર્ષે ચોમાસા દરમિયાન દેશભરમાં 836.2 મિમી વરસાદ થયો છે, જે 778.6 મિમીની સરેરાશ કરતાં 7 ટકા વધુ છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં 720.4 મિમી વરસાદ નોંધાયો છે, જે 538.1 મિમીની સરેરાશ કરતાં 34 ટકા વધુ છે.
આ વર્ષે ભારે વરસાદના કારણે પંજાબમાં દાયકાના સૌથી વધુ ભીષણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીઓ છલકાયા બાદ કેનાલો તૂટી હતી અને હજારો એકરના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હિમાલયન રાજ્યોમાં વાદળ ફાટવાની અને ઓચિંતા પૂરની ઘટનાઓ સાથે જમીન ધસી પડવાના બનાવ નોંધાયા હતા, જેનાથી વ્યાપક નુકસાન થયુ હતું. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠેર-ઠેર પૂલ અને રસ્તા ધોવાઈ જવાની ઘટનાઓ બની હતી.
