અમદાવાદ ગ્રામ્યની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે વિરમગામ મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ફરી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. બે દિવસ પણ કોર્ટે વોરંટ જારી કર્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ વારંવાર કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ પણ કોર્ટે તેમની ગેરહાજરીને કારણે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જોકે, તેમ છતાં તેઓ આજે (12 સપ્ટેમ્બર) કોર્ટમાં હાજર ન રહેતા, કોર્ટે કડક વલણ અપનાવીને ફરી એકવાર ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. કોર્ટના આ આદેશ બાદ પોલીસ હવે હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી શકે છે.
બે દિવસ પહેલા પણ રૂરલ કોર્ટે 2018ના પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનોના એક કેસમાં હાર્દિક પટેલ અને બીજા બે વ્યક્તિ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે કાર્ટે બુધવારે તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યો હતો.
2018માં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન દરમિયાન દાખલ થયેલા એક કેસની સુનાવણી કરતાં કોર્ટે આ આદેશ આપ્યો હતો. કેસમાં હાર્દિક પટેલ, ગીત પટેલ અને કિરણ પટેલ સહિત કુલ ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.અમદાવાદના નિકોલ વિસ્તારમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હિંસામાં પરિણમ્યું હતું, જેમાં જાહેર સંપત્તિને નુકસાન થયું હતું તથા પોલીસ અને આંદોલનકારી વચ્ચે અથડામણ થઈ હતી. અગાઉ પણ પાટીદાર આંદોલન સંબંધિત કેસોમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ થઈ ચૂક્યા છે.
હાર્દિક અને તેના સાથીઓ પર રમખાણો, હિંસા ભડકાવવા અને જાહેર સંપત્તિના નાશનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
