સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં એક ભાઇ પર પોતાની જ અમેરિકાવાસી બહેન સાથે રૂ. 1.6 કરોડની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાઇ છે. આરોપી ભાવિન પટેલે કથિત રીતે તેમના સંયુક્ત બેંક એકાઉન્ટમાંથી નાણા ઉપાડ્યા હતા અને બનાવટી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને તેની બહેનના નામે નકલી પાન કાર્ડ પણ બનાવ્યું હોવાના આરોપ છે. આ બંને ભાઇ-બહેને જુલાઈ 2015માં વેડછા ગામમાં આવેલી તેમની વડિલો પાર્જિત 12,450 ચોરસ મીટર જમીન રૂ. 4.72 કરોડમાં વેચી ત્યારે તેમને સરખો હિસ્સા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 45 વર્ષીય રણજીતા પટેલ તેમના પુત્ર સાથે અમેરિકામાં રહે છે. તેના નિવૃત્ત માતા-પિતા સુરતમાં રહે છે, જ્યારે તેનો મોટો ભાઈ ભાવિન પણ તેના પરિવાર સાથે સુરતમાં રહે છે. રણજીતા 1999થી અમેરિકામાં વસે છે અને તેઓ ઘણીવાર પારિવારિક પ્રસંગોએ સુરત જાય છે. તેમણે 2023માં ભાવિનને અમેરિકા લાવવા માટે પણ મદદ કરી હતી.
આ જમીનના વેચાણ પછી, ભાવિને રણજીતાના રૂ. 1.16 કરોડનો હિસ્સો બેંક ઓફ બરોડાની કુંભારિયા શાખામાં એક સંયુક્ત એકાઉન્ટમાં જમા કરાવ્યો હતો. જ્યારે રણજીતાએ આ નાણા વિશે પૂછપરછ કરી, ત્યારે ભાવિને દાવો કર્યો કે તેણે તે રકમનું યોગ્ય સ્થાને રોકાણ કર્યું છે અને 2025માં તેનું સારું વળતર મળશે તેવી ખાતરી આપી હતી. ભાઇ પર વિશ્વાસ કરીને, રણજીતાએ તેની વધુ પૂછપરછ કરી નહોતી. જોકે, જાન્યુઆરી 2024માં, ભારતની મુલાકાત દરમિયાન, રણજીતાને ખબર પડી કે ભાવિને તેની ખોટી સહીઓ સાથે તેના નામે નકલી પાન કાર્ડ બનાવ્યું હતું.
કંઇક ખોટું થયું હોવાનું જણાતા તેણે તેના નાણા પરત માગ્યા હતા, પરંતુ ભાવિન બહાના કાઢતો હતો. રણજીતાએ બેંકના એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસતા જાણવા મળ્યું કે ભાવિને અંગત ઉપયોગ માટે તમામ રકમ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે આ બાબતે ભાવિનને પૂછ્યું તો તેણે યોગ્ય જવાબ આપ્યો નહતો. પોતાના નાણા પરત મેળવવાના પ્રયત્નો વારંવાર નિષ્ફળ થયા પછી, રણજીતાએ તેના ભાઇ સામે છેતરપિંડી અને ખોટા ડોક્યુમેન્ટસ બનાવવાનો આરોપ મુકીને ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY