વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2023ની મણિપુર હિંસા પછી પ્રથમવાર આ ઉત્તર-પૂર્વીય રાજ્યની મુલાકાતે શનિવારે ત્યાં ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યમાં અનેક વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ચૂડાચાંદપુરમાં રૂ. 7300 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં રસ્તા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ સેવાઓને મજબૂત કરવાનો સમાવેશ થાય છે. ચૂડાચાંદપુરમાં વડાપ્રધાને સ્થળાંતરિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. મણિપુરમાં થયેલી હિંસામાં ચૂડાચાંદપુર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું હતું કે હું મણિપુરના લોકોના જુસ્સાને સલામ કરું છું. અહીંની સંસ્કૃતિમાં અપરંપાર શક્તિ છે.
આ વિકાસ યોજનાઓમાં સૌથી મોટી રૂ. 3,647 કરોડની મણિપુર શહેરી માર્ગ, ડ્રેનેજ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સુધાર યોજના છે. એ ઉપરાંત વડા પ્રધાને રૂ. 550 કરોડની મણિપુર ઇન્ફોટેક ડેવલપમેન્ટ (MIND) યોજના જાહેર કરી છે. એ સાથે જ રૂ. 142 કરોડથી નવ વર્કિંગ વુમન હોસ્ટેલ્સ અને રૂ. 105 કરોડમાં સુપર સ્પેશિયાલિટી હેલ્થ સર્વિસ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી 13થી 15 સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે.
