૪૦થી વધુ હિન્દુ સંગઠનોના જૂથ અને ૫૦,૦૦૦થી વધુ હિન્દુ અને જૈન સમુદાયના સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ્સ લેસ્ટર (HCOG)ના કન્વીનર વિનોદ પોપટે લંડનમાં શાંતિપૂર્ણ ભારતીય પ્રદર્શનકારીઓ સામે ગળું કાપવાનો ઈશારો કરનાર પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારી સામે પગલા લેવા માંગ કરી છે.

વિનોદભાઇ પોપટે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’ભારીતય દેખાવકારો સમક્ષ ગળું કાપવાનો ઈશારો કરનાર પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારી દ્વારા કરાયેલ આ ઉશ્કેરણી અને ધાકધમકીનું કૃત્ય ગંભીર છે. આ વર્તન માત્ર અપમાનજનક અને ધમકીભર્યું જ નથી પણ વિયેના કન્વેન્શન હેઠળ રાજદ્વારી પ્રોટોકોલનું સીધું ઉલ્લંઘન પણ છે. આ વર્તન સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવાનું જોખમ ધરાવે છે અને શાંતિપૂર્ણ વિરોધ અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીના સિદ્ધાંતો પરના જાહેર વિશ્વાસને નબળો પાડે છે.’’

તેમણે યુકે સરકારના ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) અને ભારતીય હાઇ કમિશનને પણ ફરિયાદ કરતો પત્ર પાઠવી વિનંતી કરી હતી કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરી સંડોવાયેલા રાજદ્વારી સામે પગલાં લેવામાં આવે અને જરૂરી જમાય તો તેમની હકાલપટ્ટી પણ કરવામાં આવે.

તેમણે FCDOને જણાવ્યું હતું કે ‘’અમને વિશ્વાસ છે કે તમે આ બાબતને ગંભીરતાથી લેશો અને યુકેમાં શાંતિ, સમુદાયની સલામતી અને રાજદ્વારી આચરણની અખંડિતતા જાળવવા માટે કાર્ય કરશો.

તેમણે ભારતીય હાઈ કમિશન સમક્ષ પણ યુકેના અધિકારીઓ અને પાકિસ્તાન સરકાર સમક્ષ ઉચ્ચ સ્તરે આ મુદ્દો ઉઠાવવા અપીલ કરી હતી.

 

LEAVE A REPLY