
બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મર, યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી અને કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ, શર્લી આયોર્કોર બોચવેએ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી કમનસીબ મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી.
બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મરે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી પોતાના X હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “કાશ્મીરમાં આજે થયેલો ભયાનક આતંકવાદી હુમલો સંપૂર્ણપણે વિનાશક છે. મારા વિચારો અસરગ્રસ્તો, તેમના પ્રિયજનો અને ભારતના લોકો સાથે છે.”
સ્ટાર્મરે કાશ્મિરમાં થયેલા ‘વિનાશક’ આતંકવાદી હુમલા અંગે ભારતના વડા પ્રધાન મોદી સાથે શુક્રવારે વાત કરી કહ્યું હતું કે તેઓ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી “ભયભીત” છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
10 ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતું કે સ્ટાર્મરે બ્રિટિશ લોકો વતી તમામ અસરગ્રસ્તો, તેમના પ્રિયજનો અને ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.”
યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ આ હુમલાને “કાયર” કૃત્ય ગણાવી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “આજે વહેલી સવારે કાશ્મીર પર થયેલા ભયાનક અને કાયર આતંકવાદી હુમલાથી હું સ્તબ્ધ છું. મારા વિચારો બધા અસરગ્રસ્તો સાથે છે, ખાસ કરીને જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે.”
કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ, શર્લી આયોર્કોર બોચવેએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ‘’સંગઠન આ સમયે ભારતના લોકો સાથે એકતામાં ઉભું છે. કોમનવેલ્થ એક અવાજે કહે છે કે આતંકવાદીઓ શાંતિ, સમાવેશકતા, સહિષ્ણુતા, આદર અને સમજણના આપણા કોમનવેલ્થ ચાર્ટરના મૂલ્યોને નબળા પાડવાના તેમના વિભાજનકારી મિશનમાં સફળ થશે નહીં. અમે આતંકવાદના તમામ કૃત્યોની સંપૂર્ણ નિંદા કરીએ છીએ.’’
