ભારતીય કાશ્મિરમાં હિન્દુ ટૂરીસ્ટ્સ પર આતંકવાદીઓના હુમલા સામે લંડનના લોન્ડેસ સ્ક્વેર સ્થિત પાકિસ્તાની હાઇ કમિશન સામે 25 તારીખના રોજ ભારતીયોના સમુહે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી પ્લેકાર્ડ દર્શાવી “જય શ્રી રામ”, “વંદે માતરમ” અને “ભારત માતા કી જય”ના સુત્રોચ્ચારો કર્યા હતા.

ભારત તરફથી જોડાયેલા કેટલાક લોકોએ ભારતીય અને ઇઝરાયલી ધ્વજ લહેરાવ્યા હતા અને ભારતીયોએ “હું હિન્દુ છું”; “કાશ્મીર પર આતંકનો અંત લાવો” અને “હાફિઝ સઈદ માસ્ટરમાઇન્ડ 26/11” વગેરે લખેલા પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા. “એકતા, ન્યાય અને માનવતા માટે ઉભા રહેવા અને નિર્દોષો પર આતંકવાદી હુમલાઓનો વિરોધ કરવા માટે અમારી સાથે જોડાઓ” શિર્ષક ધરાવતી પત્રિકાઓ પણ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર વહેંચવામાં આવી હતી.

આ દેખાવો દરમિયાન વિરોધ કરી રહેલા ભારતીય મૂળના ડિલિવરી ડ્રાઇવરોના જૂથને પોલીસે ઘેરી લીધું હતું.  ગુજરાતી મનાતા એક યુવાને દોડીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ અધિકારી સાથે વંશીય દુર્વ્યવહાર કરવા બદલ ધરપકડ કરી હતી. જેને પાછળથી કોઇ આગળની કાર્યવાહી કર્યા વિના છોડી દીધો હતો. તો એક પોલીસ અધિકારીએ બીજા ભારતીય ડિલિવરી ડ્રાઇવરને કોલરથી પકડી લઇ હાથકડી પહેરાવી હતી પરંતુ તેને ધરપકડ કર્યા વગર છોડી દેવાયો હતો. જાહેર અવ્યવસ્થાને સંભાળવા માટે તાલીમ પામેલી પોલીસે ભારતીય પ્રદર્શનકારીઓને ચાલ્યા જવા અપીલ કરી હતી.

“ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઇન્ટરનેશનલ (FISI)’’ યુકેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘અમે કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદને ટેકો આપીને નિર્દોષોની હત્યાની નિંદા કરવા અને કડક આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની માંગ કરીએ છીએ. અમે યુકે સરકારને ભારત સાથે ઉભા રહેવા અને પાકિસ્તાન પ્રત્યેની તેની નીતિ પર પુનર્વિચાર કરવા વિનંતી કરીએ છીએ. પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારીએ ગળું કાપવાનો બર્બર ઈશારો કર્યો તે કૃત્ય સ્પષ્ટ દુશ્મનાવટ જ ​​નહીં પરંતુ રાજદ્વારી ધોરણો અને માનવીય શિષ્ટાચારનો ખતરનાક અનાદર પણ દર્શાવે છે.”

દેખાવ કરતા ભારતીય પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે ‘’અમે પણ પોલીસને પાકિસ્તાની દેખાવકારો અંગે ફરિયાદો કરી હતી પરંતુ પોલીસ અમારા પર વધુ કડક હતી અને બીજી બાજુના લોકોને જે જોઈએ તે કરવાની છૂટ આપી હતી. જે માણસોને હાથકડી પહેરાવવામાં આવી હતી તેઓ પાકિસ્તાનીઓની વાતથી ઉશ્કેરાઈ ગયા હતા.”

પાકિસ્તાની હાઇ કમિશન દ્વારા ભારતીયોના દેખાવોની આગોતરી માહિતીને પગલે ભારતીયોના સુત્રોચ્ચારો દબાવવા માટે પહેલાથી જ તૈયારી કરી લાઉડ સ્પીકર લગાવી દેવાયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તથા “પાકિસ્તાન ઝિંદાબાદ”ના નારા લગાવ્યા હતા. તેમજ પાકિસ્તનની વાહવાહી કરતા ગીતો વગાડવામાં આવ્યા હતા. પાકિસ્તાની હાઇ કમિશન બિલ્ડીંગ પર “પાકિસ્તાન કાશ્મીરીઓ સાથે ઉભું છે” લખેલું મોટું બેનર લગાવાયું હતું.

આરોપ છે કે પાકિસ્તાની દેખાવકારોએ લાઉડસ્પીકર પર ગાળો તથા અપશબ્દો પણ બોલ્યા હતા અને નાચગાન કરી જાણે કે પહેલગામના આતંકવાદી હુમલાનો અનંદ ઉઠાવ્યો હતો.  તેમણે લાઉડસ્પીકર પર હિન્દુ દેવી દેવતાઓ અને પીએમ નરેન્દ્ર મોદીનું અપમાન કરતા વાક્યો પણ બોલ્યા હતા. તો ભારત પર “જળ આતંકવાદ”નો આરોપ લગાવતા પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.

પાકિસ્તાની દેખાવકારો પાસે માઈક અને લાઉડસ્પીકર હોવા છતાય ભારતીય દેખાવકારો હતાશ થયા ન હતા અને સુત્રોચ્ચારો ચાલુ રાખ્યા હતા. બંને જૂથો વચ્ચે ફક્ત થોડા યાર્ડનું અંતર હોવા છતાય પોલીસને દરમિયાનગીરી સાથે દેખાવો હિંસક બન્યા ન હતા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલી એક મુલાકાતમાં મૂળ જયપુરની ભારતીય મુસ્લિમ અમાના બેગમે (38) કહ્યું હતું કે “પાકિસ્તાનીઓમાં કોઈ સહાનુભૂતિ કે શરમ નથી. તેઓ આતંકવાદી હુમલા પર પાર્ટી કરી રહ્યા છે.’’

તો નંદિની સિંહે કહ્યું હતું કે ‘’અમે અહીં જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કરવા આવ્યા હતા અને અહીં તેઓ સંગીત વગાડી રહ્યા છે અને હાવભાવ કરી રહ્યા છે. અમે ફક્ત શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માંગતા હતા. એવું લાગે છે કે તેઓ જીવ ગુમાવવાની ઉજવણી કરી રહ્યા છે.”

LEAVE A REPLY